યુકેમાં જે લોકોનું પોતાનું ઘર ખરીદવાનું સપનું છે પરંતુ પરિવાર તરફથી કોઈ આર્થિક મદદ નથી મળી રહી, તેવા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુકેના ચાન્સેલર જોન હીલીએ આજે એક નવી સ્કીમ યોર ફર્સ્ટ હોમની જાહેરાત કરી છે, જે ખાસ કરીને પહેલીવાર પ્રોપર્ટી ખરીદવા જઈ રહેલા લોકો માટે વરદાન સાબિત થશે. સરકારે આ યોજના માટે 4.7 અબજ પાઉન્ડની સરકારી બેક્ડ લોન ફાળવી છે, જેથી નવા બનેલા ઘરો ખરીદવા માટે જરૂરી ડિપોઝિટની રકમ ઓછી કરી શકાય અને સામાન્ય લોકો સરળતાથી પ્રોપર્ટી લેડર પર ચઢી શકે.
આ સ્કીમ અંતર્ગત પાત્ર ખરીદદારો માત્ર 2.5 ટકા જેટલી ન્યૂનતમ ડિપોઝિટ ભરીને નવું ઘર ખરીદી શકાશે, જેમાં સરકાર દ્વારા 20 ટકા સુધીની ઇક્વિટી લોનનું સમર્થન મળશે. એટલું જ નહીં, શરૂઆતના 5 વર્ષ સુધી આ ઇક્વિટી લોન પર કોઈ વ્યાજ નહીં લાગે, જેના કારણે ખરીદદારો દર મહિને સેંકડો પાઉન્ડની બચત કરી શકશે. જોકે, આ યોજનાનો લાભ સાચા જરૂરિયાતમંદો સુધી જ પહોંચે તે માટે સરકારે હાઉસહોલ્ડ ઇન્કમ લિમિટ અને લોકલ પ્રોપર્ટી પ્રાઈસ કેપ પણ નક્કી કર્યા છે. લંડનની બહાર પરિવારની વાર્ષિક આવક મર્યાદા 110,000 પાઉન્ડ જ્યારે લંડનની અંદર 140,000 પાઉન્ડ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રોપર્ટીની કિંમતની વાત કરીએ તો લંડનની અંદર ઇનર લંડન માટે 650,000 પાઉન્ડ અને આઉટર લંડન માટે 500,000 પાઉન્ડની મર્યાદા રહેશે.
આ યોજનાને ફંડ આપવા માટે પ્રોપર્ટી ડેવલપર્સ પણ સહયોગ કરશે અને નાના ડેવલપર્સને સુરક્ષિત રાખવા માટે સ્લાઇડિંગ સ્કેલ પર યોગદાન નક્કી કરાશે. સરકાર વાર્ષિક ફંડિંગ પર પણ કેપ રાખશે અને ડિમાન્ડ પર નજર રાખશે. આ યોજનાથી અંદાજે 70,000 લોકોને સીધો ફાયદો મળવાની આશા છે. જોકે, ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ સ્કીમ ફક્ત ઇંગ્લેન્ડમાં જ લાગુ થશે અને વેલ્સ, સ્કોટલેન્ડ કે નોર્ધર્ન આયર્લેન્ડમાં તેનો લાભ નહીં મળે, જ્યાં સ્થાનિક સ્તરે અલગ યોજનાઓ ચાલી રહી છે.
