JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

વિરોધ કરવાનો અધિકાર એ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો

Oct 28, 2026 | 20:42 | By JAMNAGAR MIRROR
વિરોધ કરવાનો અધિકાર એ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો
મદ્રાસ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ કરવો એ બંધારણીય અધિકાર છે. કોર્ટે ગ્રામજનોને સ્મશાનભૂમિમાં જ બેસીને આંદોલન કરવાની મંજૂરી આપી દીધી છે. રાઇસ મિલના પ્રદૂષણ સામે અવાજ ઉઠાવવા માટે પ્રશાસને પરવાનગી નહોતી આપી, જેને કોર્ટે ફગાવી દીધી છે.

ચેન્નઈના સિથારકાડુ ગામના લોકો તમિલનાડુ સિવિલ સપ્લાય કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી રાઇસ મિલથી ફેલાતા ભારે એર પોલ્યુશન સામે સરકારનું ધ્યાન દોરવા માંગતા હતા. આ માટે ગ્રામજનોએ સ્મશાનભૂમિમાં શાંતિપૂર્ણ ધરણાં પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ સ્થાનિક પોલીસ પ્રશાસને તેમને આની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસના આ નિર્ણય સામે ગામના એમ. અંબુરાજ નામના રહેવાસીએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી કરતા કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

કોર્ટના જસ્ટિસ વી. લક્ષ્મીનારાયણને મૈલાદુથુરાઈ પોલીસને આદેશ આપ્યો કે તે ગ્રામજનોને સ્મશાનભૂમિમાં વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપે. કોર્ટે જણાવ્યું કે દેશના નાગરિકોને શસ્ત્રો વગર શાંતિપૂર્ણ રીતે એકઠા થવાનો અને વિરોધ કરવાનો અધિકાર છે, જે આપણા બંધારણ દ્વારા આપવામાં આવેલી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો જ એક ભાગ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકારના નિયંત્રણ હેઠળ ચાલતી રાઇસ મિલના પ્રદૂષણ સામે અવાજ ઉઠાવીને ગ્રામજનો બંધારણના આર્ટિકલ 51A(a) અને 51A(g) હેઠળ પર્યાવરણનું રક્ષણ કરવાની પોતાની મૂળભૂત ફરજ અદા કરી રહ્યા છે, તેથી આવા વિરોધને શરૂઆતમાં જ ડામી ન શકાય.

જો કે, કોર્ટે પ્રદર્શનકારીઓ માટે કેટલીક શરતો પણ મૂકી છે કે વિરોધ શાંતિપૂર્ણ હોવો જોઈએ અને તેનાથી કોઈ સમસ્યા ઊભી ન થવી જોઈએ. જજે એમ પણ ઉમેર્યું હતું કે પ્રદર્શન દરમિયાન જો સ્મશાનમાં કોઈ મૃત્યુ સંબંધી વિધિ કે અંતિમ સંસ્કાર થાય, તો આંદોલનકારીઓએ તે વિધિઓ માટે રસ્તો કરી આપવો પડશે જેથી અંતિમક્રિયામાં કોઈ અડચણ ન આવે. શાંતિપૂર્ણ વિરોધ પર રોક લગાવવા માટે કોઈ યોગ્ય કારણ ન હોવાનું જણાવીને કોર્ટે બુધવારે આ અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો.

LATEST ARTICLES