સુરત શહેરના અડાજણ, રાંદેર અને અઠવા જેવીી સોસાયટીઓ અને વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નળમાં ગંદુ અને પીળું પાણી આવવાની ગંભીર ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે આ પ્રકારનું દૂષિત પાણી પીવાથી ગંભીર બીમારીઓ કે રોગચાળો ફેલાઈ શકે છે. આ મામલે અડાજણ વોર્ડ નંબર 10નાં ભાજપનાં કોર્પોરેટર ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરીને સમગ્ર માને એક નવો જ વળાંક આપી દીધો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે આ કોઈ તંત્ર કે માનવસર્જિત ભૂલ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અલનીનોની અસરોના કારણે આવું થઈ રહ્યું છે.
વીડિયોમાં કોર્પોરેટર ઉર્વશી પટેલે દાવો કર્યો છે કે અલનીનોના પ્રતાપે તાપી નદીમાં પાણીનું સ્તર અને તળ ખૂબ જ નીચે જતા રહ્યા છે, જેના કારણે પાણીના સંગ્રહમાં માટીનો ભાગ પણ ભળી જાય છે અને પાણીની ગુણવત્તા બગડે છે. આ સમસ્યાના નિવારણ માટે તેમણે ઉકાઈ ડેમમાંથી તાત્કાલિક ધોરણે 11 હજાર ક્યુસેક પાણી છોડવાની માંગણી પણ કરી છે. જો કે, આ મામલે જ્યારે તેમને વધુ ફોન પર પૃચ્છા કરવામાં આવી ત્યારે તેમણે માત્ર પોતાનો વીડિયો જોઈ લેવાનું કહીને વધુ બોલવાનું ટાળ્યું હતું.
બીજી બાજુ, આ વિવાદ વધતા રાંદેર ઝોનના ડીવાયએમસી મહેશ ચાવડાએ મેદાનમાં આવીને સ્પષ્ટતા કરી છે કે અલનીનોના કારણે દૂષિત પાણી આવતું હોવાની વાતમાં કોઈ તથ્ય નથી અને તેને નકારી કાઢી છે. પાલિકા તંત્રના જણાવ્યા મુજબ તાપી નદીમાં પાણી ભલે ઓછું થયું હોય, પરંતુ ટૂંક સમયમાં જ ઉકાઈ ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવશે એટલે આ નાની-મોટી સમસ્યાનો કાયમી હલ થઈ જશે અને નાગરિકોને શુદ્ધ પાણી મળતું થઈ જશે.
