આફ્રિકામાં ત્રાટકેલા ઇબોલા વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતોના વડાઓએ દુનિયાભરના દેશોને અત્યારથી જ એલર્ટ થઈ જવા સ્પષ્ટ ચેતવણી આપી છે. આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના ડૉક્ટર જિન કાસેયાએ જણાવ્યું છે કે ઇબોલાનો આ ફેલાવો કોઈ કોવિડ મહામારીથી કમ નથી અને જો તમામ દેશો પૂરતી તૈયારીઓ નહીં રાખે તો ગણતરીના મહિનાઓમાં જ કોઈપણ દેશ આ વાયરસનું નવું હોટસ્પોટ બની શકે છે. ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે આફ્રિકાના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં આ વાયરસ એકસાથે ફેલાયો હોય, જેના કારણે તેની ભૌગોલિક વ્યાપ્તિ અત્યાર સુધીની સૌથી ખતરનાક સાબિત થઈ રહી છે.
કોંગો પ્રજાસત્તાક (DRC) માં આ વાયરસનો કહેર સૌથી વધારે વર્તાયો છે, જ્યાં મે મહિનામાં વાયરસની શરૂઆત થયા પછી અત્યાર સુધીમાં કુલ 10,060 કેસ સામે આવ્યા છે અને લગભગ 5,000 એટલે કે 4,887 લોકોના મોત થયા છે. આ દેશના ઇતિહાસનો સૌથી ઘાતક ઇબોલા પ્રકોપ છે જેમાં મૃત્યુદર લગભગ 50 ટકા આસપાસ છે, જો કે સામે 2,684 લોકો સાજા પણ થયા છે. કોંગો ઉપરાંત યુગાન્ડા, કેન્યા અને નાઈજીરિયા જેવા પાડોશી દેશોમાં પણ આના કેસ પહોંચી ચૂક્યા છે. નાઈજીરિયામાં નોંધાયેલા કેસમાં એક 42 વર્ષની વિદેશી મહિલા સંક્રમિત મળી આવી છે, જેના સંપર્કમાં આવેલા 53 લોકોની હોસ્પિટલ અને મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ફેલાયેલા આ વાયરસનું મુખ્ય કારણ બુંદિબુગ્યો (Bundibugyo) સ્ટ્રેન છે, જેના માટે અત્યાર સુધી કોઈ પણ પાસ કે મંજૂર થયેલી વેક્સિન કે ચોક્કસ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ ન હોવાથી હેલ્થ ઓથોરિટીઝ માટે તેને કન્ટ્રોલ કરવું મોટો પડકાર બની ગયો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા મુજબ ઇબોલા એ ખૂબ જ ગંભીર અને જીવલેણ બીમારી છે જે સંક્રમિત વ્યક્તિના બ્લડ કે અન્ય બોડી ફ્લુઈડના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વૈજ્ઞાનિકો હાલમાં એર્વેબો (Ervebo) વેક્સિનની ટ્રાયલ ચલાવી રહ્યા છે જેથી જાણી શકાય કે તે આ નવા સ્ટ્રેન સામે રક્ષણ આપી શકે છે કે નહીં. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સશસ્ત્ર જૂથોની ਹિંસા અને સરકારી તંત્ર પર લોકોના ઓછા વિશ્વાસ વચ્ચે આ વાયરસ અઠવાડિયા સુધી છૂપો રહ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે જો સમયસર કોન્ટેક્ટ ટ્રેસિંગ, સંક્રમણ નિયંત્રણના કડક પગલાં અને યોગ્ય સારવાર નહીં અપાય તો આ વૈશ્વિક સ્તરે મોટું સંકટ બની શકે છે.
