વિશ્વમાં સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ વચ્ચે અમેરિકાના રક્ષા વિભાગ એટલે કે પેન્ટાગોને એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. પેન્ટાગોને 'ફોરટ્રેસ' પહેલ હેઠળ દેશના તમામ મુખ્ય મિલિટરી બેઝને કોઈપણ બહારની મદદ કે સિવિલિયન સપોર્ટ વગર ઓછામાં ઓછા 90 દિવસ સુધી એકદમ સ્વતંત્ર રીતે ઓપરેશનલ રાખવાની યોજના બનાવી છે. જો ભવિષ્યમાં કોઈ મોટો વૈશ્વિક સંઘર્ષ ફાટી નીકળે અને પાવર ગ્રીડ્સ ફેલ થઈ જાય કે સપ્લાય ચેઈન પડી ભાંગે, તો પણ અમેરિકન સેના કોઈપણ મુશ્કેલી વગર લડી શકે તે માટે આ ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. આ તરફ બ્રિટન સરકારે પણ લોકોને રાષ્ટ્રીય કટોકટી માટે તૈયાર રહેવા માટે ચેતવણી આપી છે.
પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, ડિફેન્સ સેક્રેટરી પીેટ હેગસેથે સપ્ટેમ્બર 30ના રોજ 'ફોરટ્રેસ' (ફેડરલ ઓપરેશન્સ ફોર રેઝિલિયન્સ, ટ્રૂપ રિસોર્સિસ, એનર્જી, સપ્લાય, એન્ડ સર્વાઈવેબિલિટી) યોજના રજૂ કરી હતી. આ યોજના હેઠળ હવે સૈનિક બેઝ માત્ર વિજળી બાબતે જ નહીં, પરંતુ પાણી, ઈંધણ અને કોમ્યુનિકેશનમાં પણ સંપૂર્ણ આત્મનિર્ભર બનશે. આ માટે પોર્ટેબલ ન્યુક્લિયર રિએક્ટર્સ, મોટા પાયે બેટરી સ્ટોરેજ અને માઈક્રોગ્રીડ્સનો ઉપયોગ કરવામાં આવશે. યુએસ આર્મીએ ઓગસ્ટમાં જ ફોર્ટ બ્રેગ અને ફોર્ટ હુડ સહિત પાંચ બેઝ પર ન્યુક્લિયર માઈક્રોરિએક્ટર્સ વિકસાવવા માટે 2.2 અબજ ડોલરના એવોર્ડની જાહેરાત કરી દીધી છે. આ પ્લાનમાં યુદ્ધ દરમિયાન શસ્ત્રો, ઈંધણ, ક્રિટિકલ મિનરલ્સ અને મેડિકલ સપ્લાય ખૂટે નહીં તે માટે સ્ટ્રેટેજિક રિઝર્વ રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, કટોકટીના સમયે સિવિલિયન ફેક્ટરીઓને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ઝડપથી ફેરવી શકાય તે માટે પણ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
બીજી બાજુ, બ્રિટન સરકારે પણ ઓક્ટોબર 22ના રોજ 'બી રેડી' કેમ્પેઈન લોન્ચ કરીને પોતાના નાગરિકોને કટોકટી માટે એલર્ટ કરી દીધા છે. બ્રિટન સરકાર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરોમાં 3 દિવસ ચાલે તેટલું ખાવાનું, દરરોજ વ્યક્તિદીઠ 3 લીટર પીવાનું પાણી, ફ્લેશલાઈટ, પાવર બેંક, ફર્સ્ટ-એઇડ કિટ અને પાલતુ પ્રાણીઓ માટેનો ખોરાક સ્ટોર કરે. આ સાથે જ એટીએમ અને ઓનલાઈન પેમેન્ટ ફેલ થવાની સ્થિતિમાં ઘર પર પૂરતી કેશ એટલે કે રોકડ રકમ સાથે રાખવા પણ સલાહ આપવામાં આવી છે. બ્રિટિશ ડિફેન્સ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે ચેતવણી આપી છે કે વર્ષ 2030 સુધીમાં વિરોધીઓ હુમલો કરવા માટે સક્ષમ બની શકે છે, જેથી બ્રિટન અને તેના નાટો સહયોગીઓ પાસે તૈયારી કરવા માટે હવે માત્ર 1000 દિવસથી થોડો જ વધુ સમય બાકી છે.
