રક્ષામંત્રી રાજનાથ સિંહ હાલમાં 13th ASEAN Defence Ministers’ Meeting-Plus (ADMM-Plus) માં ભાગ લેવા માટે ફિલિપાઇન્સની મુલાકાતે ગયા છે. આ મુલાકાત દરમિયાન તેમણે ફિલિપાઇન્સના સેબુ શહેરમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા અને એક શાનદાર સંબોધન કર્યું હતું. તેમણે અહી ગર્વભેર જણાવ્યું હતું કે આજે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા અને સંરક્ષણ તૈયારીઓ પહેલા કરતા ઘણી વધારે મજબૂત થઈ ગઈ છે. દુનિયાભરમાં ભારતની આર્થિક પ્રગતિ અને સૈન્ય તાકાતના વખાણ થઈ રહ્યા છે, અને આજના સમયમાં જ્યારે ભારત કોઈ વાત કરે છે ત્યારે આખી દુનિયા તેને ગંભીરતાથી સાંભળે છે.
પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સ્તરે મળી રહેલા સન્માન અને ખ્યાતિનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દેશની વધતી જતી આર્થિક રફ્તાર અને મજબૂત થતી ડિફેન્સ કેપેબિલીટીઝ પર પણ રોશની પાડી હતી. આ સાથે જ તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત ક્યારેય સામેથી કોઈને હેરાન કે ઉશ્કેરતું નથી, પરંતુ જો કોઈ દેશ ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરે તો તેને જડબાતોડ અને મક્કમ જવાબ આપવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું કદ વધવું એ દેશના દરેક નાગરિક માટે ગર્વની વાત છે. આ પ્રકારના મજબૂત નિવેદનોથી વૈશ્વિક રાજકારણમાં ભારતની છબી એક શક્તિશાળી અને શાંતિપ્રિય દેશ તરીકે વધુ ઊભરી રહી છે. આગામી સમયમાં ભારતની આ વધતી તાકાત વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
