આજના વ્યસ્ત સમયમાં મોડેથી રાત્રે જમવું અને મધરાતે સ્નેક્સ ખાવાની આદત લગભગ સામાન્ય બનતી જાય છે, જે પાછળ મોડા સુધી કામ કરવું, લેપટોપ કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને અનિયમિત ઊંઘ જવાબદાર છે. પરંતુ શું તમે જાણો છો કે જમવાનો આ ખોટો સમય તમારા મગજ અને હૃદયના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે? રિસર્ચ મુજબ રાત્રે 9 વાગ્યા પછી ભોજન કરનારાઓમાં સેરેબ્રોવેસ્ક્યુલર એટલે કે મગજની રક્તવાહિનીઓને લગતી બીમારીનું જોખમ રાત્રે 8 વાગ્યા પહેલાં જમનારાઓની સરખામણીમાં 28 ટકા વધુ જોવા મળ્યું છે. આ અનિયમિતતા શરીરની 24 કલાકની બાયોલોજિકલ ક્લોક જેને સર્કેડિયન રિધમ કહે છે, તેને બગાડી નાખે છે જે હોર્મોન્સ, બ્લડ પ્રેશર અને મેટાબોલિઝમને નિયંત્રિત કરે છે.
રાત્રે મોડેથી ભૂખ લાગતી વખતે અવારનવાર લોકો ચિપ્સ, નમકીન, મિઠાઈ, તળેલા ખાદ્ય પદાર્થો કે પેક્ડ સ્નેક્સ ખાવાનું પસંદ કરે છે, જેમાં હાઇ કેલરી, મીઠું, ખાંડ અને અનહેલ્ધી ફેટ્સ ભરપૂર હોય છે. આ પ્રકારની ચીજોનું રોજિંદુ સેવન કરવાથી વજન વધવું, બ્લડ પ્રેશર અસંતુલિત થવું અને બ્લડ સુગર વધવી જેવી સમસ્યાઓ સર્જાય છે, જે આડકતરી રીતે સ્ટ્રોકનું જોખમ વધારે છે. કેટલાક લોકો મોડા જમવાને કારણે સવારનો નાસ્તો છોડી દે છે અને રાત્રે વધુ પડતું ખાવાથી પૂરતી ઊંઘ પણ નથી લઈ શકતા. લાંબા ગાળે આ ટેવો મોટાપો, ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓને નોતરે છે.
આ ગંભીર ખતરાથી બચવા માટે આહારમાં શું ખાઈ રહ્યા છો તેની સાથે ક્યારે ખાઈ રહ્યા છો તેનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. રાત્રિભોજન અને સૂવાની વચ્ચે લગભગ 2 થી 3 કલાકનું અંતર રાખવું જોઈએ જેથી ખોરાક યોગ્ય રીતે પચી શકે અને ખાવામાં લીલા શાકભાજી, ફળો, આખા અનાજ, કઠોળ તથા પ્રોટીનયુક્ત આહાર સામેલ કરવો જોઈએ. નાઈટ શિફ્ટમાં કામ કરતા લોકોએ પણ સંતુલિત ભોજન અને નિયમિત ઊંઘની દિનચર્યા જાળવવી ખૂબ જરૂરી છે. જો અચાનક ચહેરો એક બાજુ ઝૂકી જવો, શરીરના એક ભાગમાં નબળાઈ કે સુન્ન થઈ જવું, બોલવામાં તકલીફ થવી કે સંતુલન બગડવા જેવા સ્ટ્રોકના લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની મદદ લેવી જોઈએ જેથી સમયસર સારવાર મળી શકે.
