સ્પેનના સેન્ટ્રલ ટોલેડો પ્રોવિન્સમાં બુધવારે સવારે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. મડ્રિડથી સેવિલે રૂટ પર ઉરડા ટાઉન પાસે સવારે 9 વાગ્યાની આસપાસ એક રેનફ્રે ટ્રેન પાછળ ઉભેલી આઈર્યો ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભીષણ ટક્કરને કારણે ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરીને ખાડામાં પડી ગયા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 30 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે અને પ્રશાસને આંકડો હજુ વધવાની આશંકા વ્યક્ત કરી છે. અકસ્માતની જાણ થતા જ ઈમરજન્સી સર્વિસીસ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી.
આ દુર્ઘટના સમયે રેનફ્રે ટ્રેનમાં 397 મુસાફરો સવાર હતા, જ્યારે આઈર્યો સર્વિસ ટ્રેનમાં એક નાના બાળક સહિત 147 મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા, આમ બંને ટ્રેનોમાં કુલ 544 મુસાફરો હતા. પ્રારંભિક અહેવાલો મુજબ મુખ્ય સિગ્નલિંગ સિસ્ટમ ફેઈલ થવાને કારણે ઓપરેશન મેન્યુઅલ થઈ ગયું હતું, જેના કારણે આ વિસ્તારમાં ઘણી ટ્રેનો રોકાઈ ગઈ હતી. કંટ્રોલ સેન્ટરના ઓપરેટરે રેનફ્રે ટ્રેનને આગળ વધારવાની સૂચના આપી હતી જ્યારે પાટા પર પહેલેથી જ આઈર્યો ટ્રેન હાજર હતી. આ માનવીય ભૂલ છે કે કેમ તેની સત્તાવાર તપાસ ચાલી રહી છે. આ અકસ્માતમાં એક ટ્રેઈની રેલવે વર્કરનું પણ મોત થયું છે જ્યારે રેનફ્રે ટ્રેનનો ડ્રાઈવર હજુ સુધી લાપતા છે જેની શોધખોળ ચાલુ છે.
ઘટનાની ગંભીરતા જોતા હેલ્થ મિનિસ્ટર મોનિકા ગાર્સિયાએ સ્થિતિ ચિંતાજનક ગણાવી છે અને ઈજાગ્રસ્તોને ટોલેડો તથા અલ્કાઝાર દે સાન જુઆનની હોસ્પિટલમમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે મડ્રિડ-અંડાલુસિયા હાઈ-સ્પીડ લાઇન પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સ્પેનમાં રેલવે દુર્ઘટના બનવાની આ બીજી મોટી ઘટના છે, અગાઉ જાન્યુઆરીમાં પણ કોર્ડોબા પ્રોવિન્સમાં થયેલા અકસ્માતમાં 46 લોકોના મોત થયા હતા. હાલમાં તપાસકર્તાઓ સિગ્નલ ફેલ્યોર અને માનવીય ભૂલના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે.
