JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

જામનગરની સ્કૂલના બાળકોએ જિલ્લા પંચાયતની મુલાકાત લઈ મેળવ્યું વ્યવહારિક જ્ઞાન

Oct 28, 2026 | 16:11 | By JAMNAGAR MIRROR
જામનગરની સ્કૂલના બાળકોએ જિલ્લા પંચાયતની મુલાકાત લઈ મેળવ્યું વ્યવહારિક જ્ઞાન
રાજ્ય સરકારના બેક ટૂ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત જામનગરની બેડેશ્વર શાળાના બાળકોએ જિલ્લા પંચાયત કચેરીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં વિદ્યાર્થીઓએ રસીકરણ, આંગણવાડીની કામગીરી અને સરસ મેળા વિશે પ્રત્યક્ષ માહિતી મેળવીને નવું જ્ઞાન મેળવ્યું હતું.

જિલ્લા પંચાયત કચેરીની શૈક્ષણિક મુલાકાત લઈને વિવિધ કામગીરીથી માહિતગાર થયા પછી બેડેશ્વર શાળા નં.55 ના વિદ્યાર્થીઓએ રસીકરણ, આંગણવાડીની કામગીરી અને સરસ મેળાની મુલાકાત સહિતની વિવિધ શાખાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. રાજ્ય સરકારના બેક ટૂ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ વ્યવહારિક શિક્ષણ મળી રહે તેવા હેતુસર શહેરની બેડેશ્વર અને ધરારનગર-1 સ્થિત શાળા નંબર 55 ના ધોરણ 5 થી 8 ના 61 વિદ્યાર્થીઓ માટે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી તેમજ જિલ્લા પંચાયત કેમ્પસની વિવિધ શાખાઓની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના સ્તર મુજબ સરળ સમજ મળી રહે તે માટે જિલ્લા પંચાયત હસ્તકના વેક્સીન સ્ટોર, મેડીસીન સ્ટોર, આઈસીડીએસ શાખા, જન્મ-મરણ શાખા, ગ્રામ-હાટ તેમજ સરસ મેળા સહિતની શાખાઓમાં મુલાકાત ગોઠવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વેક્સીન સ્ટોરમાં દિનેશ સાકરિયાએ બાળકોને વેક્સીન માટેની કોલ્ડ ચેઈન અને નીચા તાપમાનની જરૂરિયાત સમજાવી હતી. મેડીસીન સ્ટોરના નવનીતભાઈએ કૃમિનાશક દવાઓ અને વિટામિન 'એ' ના ટીપાંની અગત્યતા જણાવી હતી. આ ઉપરાંત, આઈસીડીએસ વિભાગના કુંદનિકાબેન પટેલે પૂર્ણા શક્તિ યોજના અને સમતોલ આહાર વિશે માહિતી આપી હતી જ્યારે જન્મ-મરણ શાખાના કૈલાશ વૈષ્ણવે પ્રમાણપત્રોનું મહત્ત્વ સમજાવ્યું હતું.

કાર્યક્રમના અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓએ શ્રીજી હોલ પાસે યોજાયેલ સખી મંડળોના સરસ મેળાની મુલાકાત લીધી હતી જ્યાં તેમને વડાપ્રધાનના વોકલ ફોર લોકલ કન્સેપ્ટથી માહિતગાર કરાયા હતા. આ સમગ્ર શૈક્ષણિક મુલાકાતનું સંકલન સંજયભાઈ કાચા દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. મુલાકાત બાદ વિદ્યાર્થીઓએ સ્વહસ્તે બનાવેલા થેંક્યુ કાર્ડ અર્પણ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી, જ્યારે જિલ્લા વિકાસ અધિકારીએ બાળકોને ખૂબ અભ્યાસ કરવા અને શિક્ષકોનું માર્ગદર્શન મેળવવા પ્રેરક બોધ આપ્યો હતો.

LATEST ARTICLES