JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

દિવ્યાંગ પેસેન્જરને એરપોર્ટ પર વ્હીલચેર ન મળતા ભારે હાલાકી, કન્ઝ્યુમર કમિશને એરલાઇન્સને ફટકાર્યો દંડ

Oct 28, 2026 | 15:45 | By JAMNAGAR MIRROR
દિવ્યાંગ પેસેન્જરને એરપોર્ટ પર વ્હીલચેર ન મળતા ભારે હાલાકી, કન્ઝ્યુમર કમિશને એરલાઇન્સને ફટકાર્યો દંડ
અમૃતસરના 65 વર્ષીય દિવ્યાંગ પ્રવાસી કિપાલ સિંહને ઇસ્તંબુલ એરપોર્ટ પર વ્હીલચેર વગર 24 કલાક વિતાવવા પડ્યા હતા. બેગેજ સમયસર ન મળવાને કારણે કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાની આ ઘટનામાં કમિશને ઇન્ડિગો અને ટર્કીશ એરલાઇન્સને કુલ 60000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

મુસાફરી દરમિયાન એરલાઇન્સની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પંજાબના કન્ઝ્યુમર કમિશને 55 ટકા દિવ્યાંગતા ધરાવતા 65 વર્ષીય વરિષ્ઠ નાગરિકને ન્યાય અપાવ્યો છે. અમૃતસરના રહેવાસી કિપાલ સિંહે ગત 27 માર્ચ 2024ના રોજ 41500 રૂપિયા ખર્ચીને અમૃતસરથી લંડન સુધીની ફ્લાઇટનું બુકિંગ કરાવ્યું હતું. આ યાત્રા માટે તેમણે પહેલાથી જ વ્હીલચેરની ખાસ સુવિધાની માંગણી કરી હતી, પરંતુ ઇસ્તંબુલ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેમને વ્હીલચેર કે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા આપવામાં આવી ન હતી. કન્ફર્મ ટિકિટ હોવા છતાં તેમને લંડન જતી ફ્લાઇટમાં બેસવા દેવામાં આવ્યા ન હતા અને એરપોર્ટ પર અંદાજે 24 કલાક સુધી લાચાર હાલતમાં રઝળવું પડ્યું હતું, જેના કારણે તેઓ ભારે માનસિક તણાવનો શિકાર બન્યા હતા.

આ મામલાની વિગતવાર સુનાવણી કરતાં કમિશને એરલાઇન્સની ભૂલો અને બેદરકારીના તમામ પાસાઓની નોંધ લીધી હતી. કમ્પ્લેનન્ટ કિપાલ સિંહના જણાવ્યા મુજબ, ઇસ્તંબુલથી ફ્લાઇટ ચૂકી ગયા બાદ તેમને બાદમાં નવી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ 20 મે 2024ના રોજ લંડન હિથ્રો એરપોર્ટ પહોંચ્યા હતા, પરંતુ તેમનો સામાન સમયસર પહોંચ્યો ન હતો. આ બેગેજ તેમને 22 મેના રોજ મળ્યો હતો, જેના કારણે તેઓ લંડનથી ટોરેન્ટોની આગળની ફ્લાઇટ પણ પકડી શક્યા ન હતા. કમિશન સમક્ષ ઇન્ડિગો એરલાઇન્સે ટેકનિકલી કારણોસર ફ્લાઇટ રદ થઈ હોવાનો બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે પેસેન્જરને રિશજ્યુલિંગનો વિકલ્પ આપ્યો હતો, જ્યારે ટર્કીશ એરલાઇન્સ આ મામલે કમિશન સમક્ષ હાજર રહી ન હતી. કમિશનના પ્રમુખ જગદીશ્વર કુમાર ચોપરા અને મેમ્બર મનદીપ કૌરની બેન્ચે દસ્તાવેજો અને પુરાવાઓ ચકાસીને બંને એરલાઇન્સને આ સેવાઓમાં ખામી માટે જવાબદાર ગણાવી હતી.

આ કેસનો ચુકાદો આપતા ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને સ્પષ્ટ કર્યું કે માત્ર વધારાના ચાર્જ વગર ફ્લાઇટ રિશજ્યુલ કરી આપવાથી એરલાઇન્સ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જતી નથી, ખાસ કરીને જ્યારે પ્રવાસી શારીરિક દિવ્યાંગતા ધરાવતો વરિષ્ઠ નાગરિક હોય. કમિશને ઇન્ડિગો અને ટર્કીશ એરલાઇન્સ બંનેને સંયુક્ત રીતે માનસિક ત્રાસ અને હાલાકી બદલ 50000 રૂપિયા વળતર પેટે તથા 10000 રૂપિયા લિટિગેશન ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો છે. એરલાઇન્સે આ ઓર્ડર મળ્યાના 45 દિવસની અંદર આ રકમ ચૂકવી દેવાની રહેશે, જોકે કમિશને ટિકિટના પૈસા પરત કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે પેસેન્જરે મોડા પડવા છતાં પોતાની યાત્રા પૂરી કરી હતી.

LATEST ARTICLES