JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટ્રેનમાં રાત્રે મોબાઈલ ચાર્જિંગ બંધ: રેલવેનો મોટો સુરક્ષા નિર્ણય

Oct 28, 2026 | 20:03 | By JAMNAGAR MIRROR
ટ્રેનમાં રાત્રે મોબાઈલ ચાર્જિંગ બંધ: રેલવેનો મોટો સુરક્ષા નિર્ણય
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટ્રેનમાં રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે, જેથી શોર્ટ સર્કિટ અને આગ જેવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

ટ્રેનમાં મુસાફરી કરતા લાખો મુસાફરો માટે એક અત્યંત મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેએ મુસાફરોની સલામતીને સર્વોપરી ગણીને રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવાના નિયમને હવે બહુ જ કડકાઈથી લાગુ કરવાનો આદેશ આપ્યો છે. રેલવે બોર્ડ દ્વારા દેશના તમામ ઝોનલ રેલવેને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રાત્રે 11.00 વાગ્યાથી સવારે 5.00 વાગ્યા સુધી કોઈપણ સંજોગોમાં ચાર્જિંગ પોઈન્ટ ચાલુ રાખવામાં ન આવે અને આ બાબતે કોઈ જ ઢીલ કે છૂટછાટ આપવામાં આવશે નહીં.

તાજેતરમાં જ દક્ષિણ પૂર્વ રેલવેમાં ચાલુ ટ્રેન દરમિયાન એક પાવર બેંક ફાટી જવાની ગંભીર ઘટના બની હતી, જેના પગલે રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું હતું કે દુર્ઘટના થઈ ત્યારે તે કોચમાં નિયમ મુજબ ચાર્જિંગ પોઈન્ટ બંધ કરવામાં આવ્યા નહોતા. અગાઉ 19-જૂન-2014 અને માર્ચ-2021 માં પણ આ અંગેના આદેશો અપાયા હતા, પરંતુ હવે ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ કે બેટરી ઓવરહીટિંગના કારણે થતી આગની દુર્ઘટનાઓને રોકવા માટે તંત્ર વધુ સખત બન્યું છે.

નિયમોનું કડક પાલન કરાવવા માટે રેલવે બોર્ડે ઓનબોર્ડ સ્ટાફ અને કર્મચારીઓને જવાબદારી સોંપી છે. આ નિયમ યોગ્ય રીતે અમલમાં આવે છે કે નહીં તે ચકાસવા માટે અધિકારીઓ દ્વારા ટ્રેનોમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવશે અને જો કોઈ કર્મચારી બેદરકારી દાખવશે તો તેની સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. રેલવેએ તમામ મુસાફરોને પણ અપીલ કરી છે કે તેઓ પ્રવાસ શરૂ કરતા પહેલા જ પોતાના મોબાઈલ અને ગેજેટ્સ ફૂલ ચાર્જ કરી લે જેથી સફરમાં કોઈ અગવડ ન પડે.

LATEST ARTICLES