JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

દેશના તેજસ્વી વિદ્યાર્થીઓની ભવિષ્યની પરીક્ષા NTSE છેલ્લા 5 વર્ષથી બંધ

Oct 28, 2026 | 15:36 | By JAMNAGAR MIRROR
દેશના તેજસ્વી વિદ્યાર્થીઓની ભવિષ્યની પરીક્ષા NTSE છેલ્લા 5 વર્ષથી બંધ
ધોરણ 10 ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતી મહત્વની નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન વર્ષ 2021થી અટકી પડી છે. સરકાર પાસે પ્રચાર અને વિદેશ પ્રવાસો માટે કરોડો રૂપિયા છે, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે નાણાકીય મંજૂરી મળતી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે.

દેશની ફ્લેગશિપ યોજના ગણાતી અને ધોરણ 10 ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને તેમનામાં રહેલી પ્રતિભાનું પોષણ કરતી નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન એટલે કે NTSE પરીક્ષા વર્ષ 2021થી સાવ અટકી પડી છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે સરકાર સ્વ-પ્રચાર અને વિદેશ પ્રવાસો માટે અમર્યાદિત સંસાધનો શોધી કાઢે છે, પરંતુ દેશના લાખો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની આ મહત્વપૂર્ણ યોજના પાંચ વર્ષથી બંધ રાખીને તેમને શિક્ષણના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સંસદીય સ્ટેન્ડિંગ કમિટીએ પણ આ પરીક્ષા બંધ થવાને શિક્ષણ જગત માટે ગંભીર ફટકો ગણાવ્યો છે.

વર્ષ 1963ની મૂળ યોજનાના આધારે 1970ના દાયકાથી સતત ચાલતી આ યોજના દર વર્ષે દેશભરમાંથી 8 થી 9 લાખ ઉમેદવારોમાંથી લગભગ 2000 મેરિટોરિયસ વિદ્યાર્થીઓની પસંદગી કરતી હતી. આ યોજના માધ્યમિક શાળાથી લઈને પીજી અને પીએચડી સ્તર સુધી માસિક સ્કોલરશિપ અને માર્ગદર્શન પૂરું પાડતી હતી, જેનાથી ટેલેન્ટની એક મજબૂત પાઇપલાઇન બનતી હતી. ગુજરાત રાજ્યમાં પણ આ પરીક્ષામાં 50000 કરતા વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ભાગ લેતા હતા, જેમાંથી 200 થી 300 વિદ્યાર્થીઓને આ વિશેષ તક મળતી હતી. જોકે, 24 સપ્ટેમ્બર 2025ના રોજ NTSE 2.0 નો ડ્રાફ્ટ એક્સપેન્ડિચર ફાઇનાન્સ કમિટી સમક્ષ રજૂ કરવા છતાં, શિક્ષણ અને નાણા મંત્રાલય વચ્ચે નાણાકીય મંજૂરીના અભાવે આ પ્રસ્તાવ અધ્ધરતાલ અટકી ગયો છે.

આ યોજના બંધ રહેવા પાછળ સરકારની ખોટી પ્રાથમિકતાઓ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા આંકડા રજૂ કરવામાં આવ્યા છે કે આરટીઆઈ હેઠળ પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ 2020થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રોત્સાહન આપતી પ્રિન્ટ, ટીવી, રેડિયો અને ડિજિટલ મીડિયાની જાહેરાતો પર કેન્દ્ર દ્વારા લગભગ રૂ. 2586 કરોડ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવી છે. આ ઉપરાંત, વર્ષ 2021થી વડાપ્રધાનના વિદેશ પ્રવાસો પાછળ પણ ઓછામાં ઓછા રૂ. 555 થી 557 કરોડનો ખર્ચ થયો છે. સરકાર પાસે સ્વ-પ્રચાર અને વિદેશ પ્રવાસો માટે વિપુલ પ્રમાણમાં નાણાં ઉપલબ્ધ છે, પરંતુ દાયકાઓથી દેશના તેજસ્વી બાળકોનું ઘડતર કરતી રાષ્ટ્રીય પ્રતિભા યોજના માટે નાણાકીય ભંડોળની અછત દર્શવાઈ રહી છે.

LATEST ARTICLES