દેશમાં ઇન્ટરનેટ પર વધી રહેલા જોખમો અને સોશિયલ મીડિયાના દુરુપયોગને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમન બાદ ડીપફેક, ઓનલાઈન ફ્રોડ અને ખોટી અવાવાઓ ફેલાવવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જે જાહેર શાંતિ માટે મોટો ખતરો બની રહ્યું છે. આ જ કારણોસર સરકારે IT એક્ટ, 2000 ની કલમ 69A હેઠળ Meta, X અને Google જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સને શંકાસ્પદ કે નુકસાનકારક કન્ટેન્ટ અને URLs બ્લોક કરવા માટેના આદેશો આપવાની ગતિમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
સરકારી આંકડાઓ પર નજર કરીએ તો 2023 અને 2024માં સરકારે દર વર્ષે અંદાજે 12,000 બ્લોકિંગ ઓર્ડર જારી કર્યા હતા, જે આંકડો વધીને 2025માં 22,000 પર પહોંચી ગયો હતો. જ્યારે 2026ના પ્રથમ 9 મહિના એટલે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન આ આંકડો સીધો 31,000 પર પહોંચી ગયો છે, જે 2025ના સમાન સમયગાળાની સરખામણીએ લગભગ 35% નો વધારો દર્શાવે છે. અગાઉના વર્ષોના ડેટા જોઈએ તો 2018 થી માર્ચ 2023 વચ્ચે કુલ 30,310 URLs બ્લોક કરવાના આદેશ અપાયા હતા. આ બ્લોક કરાયેલા કન્ટેન્ટમાં X પ્લેટફોર્મ પર સૌથી વધુ 13,660 URLs હતા, ત્યારબાદ Facebook પર 10,197, YouTube પર 5,759 અને Instagram પર 3,023 URLs સામેલ હતા. રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ 2025માં ઓપરેશન સિંદૂર અને વિવિધ વિરોધ પ્રદર્શનો જેવા સંવેદનશીલ પ્રસંગોએ પણ આવા કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
સરકારની આ સત્તા સામે અગાઉ પણ કેટલાક કાનૂની પડકારો સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા કોર્ટમાં અપીલ પણ કરવામાં આવી છે. જો કે, સુપ્રીમ કોર્ટે 2015ના એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં કલમ 69A ની બંધારણીય માન્યતાને યથાવત રાખી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા અને દેશની અખંડિતતા જેવા મામલાઓમાં આ નિયમો જરૂરી છે. તેમ છતાં, ટેકનોલોજીના બદલાતા પ્રવાહ અને એઆઈ આધારિત જોખમોને પહોંચી વળવા માટે સરકાર આગામી સમયમાં વધુ સતર્ક બની રહી છે અને ડિજિટલ સ્પેસને સુરક્ષિત રાખવા માટે આ કડક ઓનલાઈન સેન્સરશિપ અને બ્લોકિંગનીતિઓ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.
