બુધવારની વહેલી સવારે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે 'અરનાબ' નામનું શક્તિશાળી સાયક્લોન ટકરાયું હતું, જે પ્રક્રિયા પૂરી થવામાં લગભગ 6 કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ ભયાનક સાયક્લોનની અસરને કારણે વિવિધ દુર્ઘટનાઓમાં કુલ 5 લોકોના મોત થયા છે. વિશાખાપટ્ટનમ, અનકાપલ્લી, કાકીનાડા, કોનાસીમા અને વેસ્ટ ગોદાવરી જિલ્લામાંથી આ દુર્ઘટનાઓના અહેવાલ સામે આવ્યા છે. કેટલાક લોકોના કરંટ લાગવાથી મોત થયા છે જ્યારે કેટલાક લોકો પર વૃક્ષો પડી જવાથી ગંભીર હાદસાનો ભોગ બન્યા છે. હવામાન વિભાગના બુલેટિન મુજબ આ સાયક્લોન અત્યારે આંધ્ર પ્રદેશ અને યાનમ કોસ્ટ આસપાસ સક્રિય છે અને તે નરસારપુરથી 20 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે.
આ સાયક્લોન જ્યારે ત્રાટક્યું ત્યારે પવનની ઝડપ પ્રતિ કલાક 125 થી 135 કિમી હતી, જે ક્યારેક વધીને 150 કિમી સુધી પહોંચતી હતી. જોકે, સવારે 8:30 વાગ્યા આસપાસ તેની તીવ્રતા થોડી ઘટી હતી. સાયક્લોનની ખતરનાક સ્થિતિને જોતા અગાઉથી જ તકેદારી રાખીને 1.8 લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના આંકડા જોઈએ તો વિશાખાપટ્ટનમમાં સૌથી વધુ 315 એમએમ વરસાદ નોંધાયો છે, જ્યારે વિઝિયાનગરમાં 301 એમએમ, અનકાપલ્લીમાં 275 એમ અને શ્રીકાકુલમમાં 257 એમ વરસાદ ખાબક્યો છે. પડોશી રાજ્ય ઓડિશામાં પણ કોરાપુટમાં 188 એમ અને ગંજામમાં 161 એમ વરસાદ નોંધાયો છે. ખરાબ હવામાનને કારણે વિશાખાપટ્ટનમ અને વિજયવાડાની ફ્લાઇટ્સ તેમજ કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.
આ વિનાશક સાયક્લોનને 'અરનાબ' નામ બાંગ્લાદેશ દ્વારા સૂચવવામાં આવ્યું હતું, જેનો અર્થ બંગાળી ભાષામાં સમુદ્ર થાય છે. હાલની સ્થિતિ મુજબ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં પાવર સપ્લાયને ભારે અસર થઈ છે અને અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. સાયક્લોનની અસરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કેટલીક સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બુધવાર અને ગુરુવાર દરમિયાન પણ ભારે વરસાદ યથાવત રહેવાની પૂરી સંભાવના છે, જેને લઈને તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
