આંધ્રપ્રદેશ પોલીસે પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટર્સ સાથે સંકળાયેલા હાઈ-પ્રોફાઈલ જાસૂસી કેસમાં વધુ એક મોટી સફળતા મેળવતા બિહારથી બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. 25 ઓક્ટોબરથી શરૂ કરાયેલા ઓપરેશન ફાયરવોલ-2026 ના બીજા તબક્કા દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ કાઉન્ટર ઈન્ટેલિજન્સ સેલ દ્વારા પકડાયેલા આ આરોપીઓ ભારતીય મોબાઈલ નંબરના ઓટીપીનો દુરુપયોગ કરીને પાકિસ્તાની એજન્ટો માટે વોટ્સએપ એકાઉન્ટ ચાલુ કરી આપતા હતા અને દેશની સુરક્ષા સાથે ખેલ કરી રહ્યા હતા.
પકડાયેલા બંને આરોપીઓની ઓળખ રાજા કુમાર અને આદિત્ય કુમાર ઉર્ફે આદિત્ય કુમાર પાંડે તરીકે થઈ છે, જેઓ બિહારના રક્સૌલના રહેવાસી છે. તેમાંથી રાજા કુમાર પોઈન્ટ-ઓફ-સેલ એજન્ટ તરીકે કામ કરતો હતો અને તેણે નેપાળના હેન્ડલર્સ મારફતે પાકિસ્તાની એજન્ટોને ભારતીય સિમ કાર્ડના ઓટીપી શેર કર્યા હતા. એટલું જ નહીં, તેણે સિમ કાર્ડના બદલામાં મળતા નાણાં માટે અન્ય વ્યક્તિના નામે પેમેન્ટ્સ બેંક અકાઉન્ટ પણ બનાવ્યું હતું. આ કેસમાં અગાઉ સોની ક્વીન અને જોશિતા પાલ નામના પાકિસ્તાની ઓપરેટર્સે વિશાખાપટ્ટનમ ખાતે ઈસ્ટર્ન નેવલ કમાન્ડના યુદ્ધ જહો અને સબમરીનની ગુપ્ત માહિતી મેળવવા માટે નાણાંકીય પ્રલોભનો આપીને નાગરિકો અને નેવલ કર્મચારીઓને ફસાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
આ મામલે પોલીસે ગત 2 સપ્ટેમ્બરના રોજ કડક કાનૂની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. અગાઉ આ જ કેસમાં 1 ઓક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમમાંથી અન્નમ સાઈ વારા પ્રસાદ નામના સિવિલિયન ડ્રાઈવર અને 3 ઓક્ટોબરના રોજ કોઇમ્બતુરથી નેવલ કર્મચારી પ્રદીપ મુખરજીની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ હાલ વિજયવાડા ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ છે. નવા પકડાયેલા બંને આરોપીઓને બુધવારે વિજયવાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 10 નવેમ્બર સુધીની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે અને પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ચેહરાઓની પણ સઘન તપાસ કરી રહી છે.
