દેશના બિઝનેસ જગતમાં પ્રાઇવેટ સેક્ટરના કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે કેપેક્સ વધારવાને લઈને મોટી આશાઓ તો છે, પરંતુ તેની સામે દુનિયાભરના ભૌગોલિક રાજકીય એટલે કે જીઓપોલિટિકલ જોખમો અને સપ્લાય ચેઈનને નુકસાન પહોંચવાના પ્રશ્નો સૌથી મોટી માથાકૂટ બનીને ઉભા છે. તાજેતરમાં સામે આવેલા ફેક્કી-આઈબીએ બેંકર્સ સર્વે મુજબ દેશના કુલ 61% બેંકર્સનું એવું માનવું છે કે આ વૈશ્વિક અસ્થિરતા જ ખાનગી ક્ષેત્રના રોકાણ વધારવામાં સૌથી મોટો અડચણરૂપ બની રહી છે. આ સર્વેમાં દેશભરની કુલ 22 બેંકોને સામેલ કરવામાં આવી હતી, જેઓ દેશની કુલ બેંકિંગ એસેટ્સનો 78% હિસ્સો ધરાવે છે. બેંકર્સનું કહેવું છે કે ઉદ્યોગોમાં લોન કે રોકાણ વધારવા માટે માત્ર પૈસા કે વ્યાજદરનો સસ્તો હોવો પૂરતો નથી, પરંતુ બિઝનેસ કરવા માટેનું વાતાવરણ કેવું છે અને સરકારની નીતિઓ કેવી છે તેની સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે.
આ સર્વેના આંકડાઓ પર નજર કરીએ તો પબ્લિક સેક્ટર બેંક્સ એટલે કે સરકારી બેંકોના 75% અધિકારીઓ જીઓપોલિટિકલ જોખમોને લઈને સૌથી વધુ ચિંતિત છે, જ્યારે પ્રાઇવેટ બેંકોમાંથી 45% લોકોએ આ જ મુદ્દાને મુખ્ય અડચણ ગણાવ્યો છે અને 44% લોકોએ ગ્લોબલ ઇકોનોમિક અનિશ્ચિતતાને જવાબદાર માની છે. આ ઉપરાંત 26% ઉત્તરદાતાઓએ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને 9% લોકોએ માર્કેટમાં ડિમાન્ડ ન હોવાને મુખ્ય સમસ્યા ગણાવી છે. પબ્લિક સેક્ટર બેંકો પાસે હાલમાં લગભગ Rs 7.8 લાખ કરોડની કોર્પોરેટ લોન પાઇપલાઇન છે. જોકે આટલી મુંઝવણો વચ્ચે પણ બેંકોનું માનવું છે કે આગામી 6 મહિનામાં ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ગ્રોથ વાર્ષિક ધોરણે 9% કરતા વધુ રહેવાની પૂરી શક્યતા છે.
આ તમામ ચિંતાઓ વચ્ચે રાહતની વાત એ છે કે બેંકિંગ સેક્ટરનું ફ્યુચર પિક્ચર ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે. સર્વેમાં સામેલ 95% બેંકર્સ માને છે કે ઇન્ડસ્ટ્રિયલ લોનની ડિમાન્ડ આગામી સમયમાં જોરદાર રહેવાની છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સ્ટીલ જેવા સેક્ટરોમાંથી ટર્મ લોનની ભારે માંગ નીકળવાની અપેક્ષા છે. આ સાથે જ સર્વિસ સેક્ટરની વાત કરીએ તો 50% બેંકર્સ એવું માને છે કે આ સેક્ટરનો ક્રેડિટ ગ્રોથ વાર્ષિક ધોરણે 15% થી પણ વધુ જોવા મળશે, જ્યારે 77% બેંકર્સને આ ગ્રોથ 13% કરતા વધુ રહેવાનો વિશ્વાસ છે. ટૂંકમાં કહીએ તો વૈશ્વિક પડકારો ભલે ગમે તેટલા હોય, પણ દેશની બેંકો અને ઉદ્યોગો આગામી સમયમાં આગળ વધવા માટે પૂરી રીતે તૈયાર છે.
