દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પીવાના પાણીની સ્થિતિ પહેલેથી જ ચિંતાજનક છે અને તેમાંય અવાર-નવાર મેઈન લાઈનો તૂટવાના બનાવો ઉમેરાતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે. તાજેતરમાં કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાંથી પસાર થતી નર્મદાની મેઈન લાઈનમાં અચાનક મોટું ગાબડું પડી ગયું હતું. લાઈનમાંથી ભારે પ્રેશરથી પાણી બહાર વછૂટતા ગામમાં વગર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને હજારો લીટર પાણી વેડફાયું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં પીવા માટે મુખ્યત્વે નર્મદાના પાણી પર જ આધાર રાખવો પડે છે, અને તેમાં પણ નિયમિત પાણી મળતું નથી. આવી સ્થિતિમાં મેઈન લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોને આગામી દિવસો સુધી પીવાના પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. થોડા સમય અગાઉ જ ખંભાળીયા તાલુકાના બજાણા ગામે પણ આવી જ રીતે મેઈન લાઈન તૂટી જવાની ઘટના બની હતી અને ગ્રામજનોએ પાણી માટે ભારે પરેશાની વેઠવી પડી હતી.
વારંવાર પાણીની મુખ્ય લાઈનો તૂટવાની આ સમસ્યા સામે હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ગંભીર બાબતે તંત્ર દ્વારા કાયમી ધોરણે યોગ્ય તપાસ કરવામાં આવે અને વારંવાર લાઈનોને નુકસાન પહોંચાડતા કે બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠવા પામી છે.
