JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં સ્વદેશી મેળાનો રંગારંગ પ્રારંભ, લોકલ વસ્તુઓની ખરીદી કરવા મેયરની અપીલ

Oct 28, 2026 | 16:10 | By JAMNAGAR MIRROR
જામનગરમાં સ્વદેશી મેળાનો રંગારંગ પ્રારંભ, લોકલ વસ્તુઓની ખરીદી કરવા મેયરની અપીલ
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા-શોપિંગ ફેસ્ટિવલ 2026 નો ભવ્ય પ્રારંભ થયો છે. વડાપ્રધાનના વોકલ ફોર લોકલના મંત્રને સાકાર કરતા આ મેળામાં સવારના 10 થી રાત્રિના 10 કલાક સુધી નગરજનો ખરીદીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકશે.

શહેરી વિકાસ વિભાગ અને ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે 'સ્વદેશી મેળો-શોપિંગ ફેસ્ટિવલ 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. 26 ઓક્ટોબર ના રોજ જામનગરના મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસના હસ્તે આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત દેશભક્તિ ગીતોના રંગારંગ કાર્યક્રમ સાથે થઈ હતી. આ મેળો તા. 6 નવેમ્બર, 2026 સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે, જ્યાં સ્થાનિક કારીગરો અને મહિલાઓને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવા માટે ઉત્તમ તક મળી છે.

આ પ્રસંગે મેયર મોનિકાબેન વ્યાસે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સંકલ્પને આગળ વધારવામાં આ મેળો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. મેળાનો સમય દરરોજ સવારે 10 કલાકથી રાત્રે 10 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં સખી મંડળો, હસ્તકલાકારો, શહેરી ફેરિયાઓ અને નાના વેપારીઓ પોતાના સ્વદેશી ઉત્પાદનો વેચી રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનકુમાર મોનાણી, મ્યુનિ. કમિશનર દીપેશ કેડિઆ તેમજ શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના અનેક અગ્રણીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

નાગરિકોને માત્ર ખરીદી જ નહીં પરંતુ ભરપૂર મનોરંજન મળી રહે તે માટે મેળામાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં તા. 28 ઓક્ટોબરના ભજન જેમિંગ, તા. 30 ના ડોલર મહેતાની મ્યુઝિકલ નાઈટ, તેમજ 1 નવેમ્બરના બિમલ ઓઝા અને સાથી કલાકારો દ્વારા ગમતા નો કરીએ ગુલાલ જેવા લોકપ્રિય કાર્યક્રમો રજૂ થશે, ઉપરાંત તા. 3 અને 5 નવેમ્બરે સરપ્રાઈઝ પરફોર્મન્સ પણ યોજાશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનોને પરિવાર સાથે આ મેળાની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

LATEST ARTICLES