રાજકોટ પંથકમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, જેમાં હવે કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે વધુ એક ગંભીર ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. કોટડાસાંગાણી તાલુકાના જૂની મેંગણી ગામના એક ખેડૂતને ઊંચા વ્યાજના નાણાંની જાળમાં ફસાવીને તેમની વડીલોપાર્જિત કીમતી જમીન પડાવી લેવાના કેસમાં લોધિકા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાએ પંથકના ખેડૂતોમાં ભારે ડર સાથે રોષ પણ ફેલાવ્યો છે કારણ કે સામાન્ય પરિસ્થિતિનો લાભ લઈને કેવી રીતે ગરીબ લોકોની જમીનો હડપ કરવામાં આવે છે તે આ કેસથી સ્પષ્ટ થાય છે.
મળતી વિગતો મુજબ, જૂની મેંગણી ગામે રહેતા ખેડૂત ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો પ્રેમજીભાઈ ભાલોડીએ વર્ષ 2018માં તબિયત સારી ન હોવાને કારણે તથા પુત્રોના અભ્યાસ અને ઘરખર્ચ માટે નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં નાના મવા રોડ પર આવેલી ‘પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ’ની જાહેરાત જોઈને અલ્પેશ દોંગાનો સંપર્ક કર્યો હતો. જ્યાં અલ્પેશ દોંગાએ 5 ટકા માસિક વ્યાજે નાણાં આપવાનું નક્કી કરીને સિક્યુરિટી પેટે ખેડૂતની 11 વીઘા જમીનનો સાટાખત તેના માણસો વિક્રમ ડાંગર અને મૌલિક શેખલિયાના નામે કરાવી લીધો હતો. શરૂૂઆતમાં 2 લાખ અને બાદમાં 5 લાખ મળીને કુલ 7 લાખ રૂૂપિયા આપ્યા બાદ, વ્યાજ અને મૂડી વધારીને 32 લાખ રૂૂપિયા થઈ ગયા હોવાનું કહી અલ્પેશે દબાણ વધાર્યું હતું. એટલું જ નહીં, છેતરપિંડીથી આ જમીનનો દસ્તાવેજ તેના મળતિયાના ભાઈ અરવિંદ ડાંગરના નામે કરાવી લીધો હતો અને બાદમાં વ્યાજ ચૂકતે કરવાના બહાને ખેડૂતની 2 એકર જમીનનો દસ્તાવેજ તેના સંબંધીના નામે કઢાવી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણમાં અલ્પેશ દોંગાએ માત્ર 7 લાખ રૂૂપિયા વ્યાજે આપીને ખેડૂત પાસેથી વિવિધ નાણાકીય વ્યવહારો કરીને કુલ 64 લાખ રૂૂપિયા જેટલી મોટી રકમ ખંખેરી લીધી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ભોગ બનનાર ખેડૂતે પોતાના નાણાં અને જમીન પરત માંગી, ત્યારે કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગાએ ઉશ્કેરાઈને તારાથી થાય તે કરી લેજે, હું તારા જેવા કેટલાય માણસોની જમીન ખાઈ ગયો છું, હવે મારી પાસે આવતો નહિ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે કંટાળીને ખેડૂતે લોધિકા પોલીસ મથકમાં અલ્પેશ દોંગા અને તેના માણસો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
