JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

લગ્નની કંકોત્રી મોકલી ફોનનો કબજો લેનાર આંતરરાજ્ય સાયબર ગેંગ ઝડપાઇ

Oct 28, 2026 | 15:00 | By JAMNAGAR MIRROR
લગ્નની કંકોત્રી મોકલી ફોનનો કબજો લેનાર આંતરરાજ્ય સાયબર ગેંગ ઝડપાઇ
રાજકોટ ગ્રામ્ય પોલીસે દેશના 8 રાજ્યોમાં કરોડોની છેતરપિંડી આચરતી સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ કર્યો છે. કોલકાતા અને બેંગલુરુથી મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી પોલીસે 18.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

રાજકોટ સહિત દેશના અલગ-અલગ 8 રાજ્યોમાં લગ્નની કંકોત્રી અને આકર્ષક એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોનનો કંટ્રોલ મેળવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી દેશવ્યાપી સાયબર ફ્રોડ ગેંગને પકડવામાં રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસને મોટી સફળતા મળી છે. ધોરાજી તાલુકાના સુપેડી ગામના નિવૃત્ત કર્મચારી જયંતીલાલના વોટ્સએપ પર સગાના નંબરથી Wedding Invitation.apk ફાઇલ આવી હતી અને અજાણતા જ તે ઇન્સ્ટોલ થતાં તેમના બેંક ખાતામાંથી 6,57,000 રૂપિયા ઉપાડી લેવાયા હતા. પીડિત દ્વારા સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવતા જ પોલીસે ટેકનિકલ અને ફાઇનાન્સિયલ એનાલિસિસના આધારે જુદી-જુદી ટીમો બનાવીને કોલકાતા અને બેંગલુરુ ખાતે દરોડા પાડ્યા હતા.

આ ઓપરેશનમાં પોલીસે સમગ્ર કાવતરાના મુખ્ય સૂત્રધાર મોહમદ દાનિશ આલમ (ઉં.વ. 28, રહે. કોલકાતા), મોહમ્મદ તૌસીફ રઝા (રહે. બેંગલુરુ / મૂળ કોલકાતા) અને તૌસીફની મંગેતર ઝોયા ખાન (રહે. બેંગલુરુ / મૂળ કોલકાતા) ની ધરપકડ કરી છે. તપાસમાં ખૂલ્યું કે મુખ્ય સૂત્રધાર દાનિશ એપ ડેવલપર્સ પાસે માલવેર ફાઇલો તૈયાર કરાવીને ઇન્સ્ટાગ્રામ અને બેક-એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતો હતો, જ્યારે તૌસીફ બોગસ આધાર અને પાનકાર્ડ બનાવી જ્વેલર્સમાંથી સોનું ખરીદવા માટે ક્યુઆર કોડ મોકલતો અને ઝોયા ખાન સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ દ્વારા કે વોઇસ મેસેજ મોકલીને લોકોને જાળમાં ફસાવતી હતી. આરોપીઓ કોલ સેન્ટર જેવું સેટઅપ ચલાવીને એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરાવતા અને પીડિતના ફોનનો એક્સેસ મેળવીને નાણાં જ્વેલરી શોપના ખાતામાં ટ્રાન્સફર કરી શુદ્ધ સોનાના સિક્કા કે દાગીના ખરીદી લેતા હતા, જેને બાદમાં વેચીને રોકડ રકમ હવાલા મારફતે મેળવતા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન, 13 સોનાના ચેઇન અને સિક્કા, 1.29 લાખની રોકડ, 18 ડેબિટ કે ક્રેડિટ કાર્ડ્સ અને 7 સિમકાર્ડ સહિત કુલ 18.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી રાજકોટ ગ્રામ્યના ધોરાજી, શહેરના થોરાળા પોલીસ સ્ટેશન ઉપરાંત દાદરા નગર હવેલી, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં નોંધાયેલી 7 એફઆઈઆર તેમજ 1930 પોર્ટલ પરની 24 ફરિયાદો અને અન્ય 13 વણશોધાયેલી ઘટનાઓ મળી કુલ 37 જેટલા ગંભીર કિસ્સાઓનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ સરાહનીય કામગીરીથી દેશભરમાં ફેલાયેલા એક મોટા સાયબર નેટવર્કનો અંત આવ્યો છે.

LATEST ARTICLES