JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

રાજકોટમાં સ્માર્ટ મીટરના બિલ આપવા ગયેલા PGVCLના નાયબ અધિક્ષક પર હુમલો, છરી બતાવી ધમકી

Oct 28, 2026 | 14:55 | By JAMNAGAR MIRROR
રાજકોટમાં સ્માર્ટ મીટરના બિલ આપવા ગયેલા PGVCLના નાયબ અધિક્ષક પર હુમલો, છરી બતાવી ધમકી
રાજકોટના થોરાળા વિસ્તારમાં બાઈક અકસ્માત મામલે બોલાચાલી બાદ મામલો બિચક્યો. PGVCLના નાયબ અધિક્ષકને ઢીકાપાટુનો માર મારી ચાવીના ઘા ઝીંકવામાં આવ્યા. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા કુબલિયાપરામાં PGVCLના એક નાયબ અધિક્ષક પર હુમલો થયાની અને તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજી-1 સબ ડિવિઝન કચેરીમાં નાયબ અધિક્ષક તરીકે ફરજ બજાવતા કપિલગીરી શાંતિગીરી ગોસ્વામીએ આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સરકારી ફરજ દરમિયાન બનેલી આ ઘટનાથી વીજ કંપનીના કર્મચારીઓમાં રોષ ફેલાઈ ગયો છે.

ઘટનાની વિગત મુજબ 27 ઓક્ટોબર 2026ના રોજ બપોરે આશરે 2 વાગ્યે ઓફિસના કર્મચારી લક્ષ્મણભાઈ મકવાણા સ્માર્ટ મીટરના બિલ વિતરણના કામ અર્થે કુબલિયાપરા વિસ્તારમાં ગયા હતા. તે દરમિયાન સાગર પાન પાસે એક મહિલાના એક્સેસ મોટરસાઇકલ સાથે તેમનું બાઇક સામાન્ય અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ મામલે મહિલાના સંબંધીઓ સારવારના ખર્ચની માંગણી કરીને ઝઘડો કરવા લાગ્યા હતા, જેથી લક્ષ્મણભાઈએ ફોન કરીને નાયબ અધિક્ષક કપિલગીરીને ઘટનાસ્થળે બોલાવ્યા હતા.

નાયબ અધિક્ષક ત્યાં પહોંચ્યા બાદ સારવારનો જે પણ ખર્ચ થશે તે આપવાની ખાતરી આપી હતી, છતાં ત્યાં હાજર ત્રણ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી કપિલગીરી તથા લક્ષ્મણભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન એક શખ્સે કપિલગીરીના નાક અને આંખના ભાગે ચાવીનો જુડો મારી તેમને લોહીલુહાણ કરી દીધા હતા. વળી, હુમલાખોરો પૈકીના ભાવેશ પરમાર નામના શખ્સે નેફામાંથી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત નાયબ અધિક્ષકને તુરંત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે પોલીસે ભાવેશ પરમાર સહિત ત્રણ સામે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ નિલેષભાઈ ડામોરને આગળની તપાસ સોંપી છે.

LATEST ARTICLES