રાજકોટ શહેરના સૌથી ધમધમતા અને સંવેદનશીલ ગણાતા સોની બજાર વિસ્તારમાં હાલ અસામાજિક તત્વોનો ત્રાસ હદ વટાવી ગયો છે. ચારેબાજુ દિવાળીના તહેવારોની ખરીદીનો ભારે ધમધમાટ ચાલી રહ્યો છે અને લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે, ત્યારે જ કુખ્યાત હર્ષદ મહાજન ગેંગના સભ્યોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો છે. તહેવારની આ સિઝનમાં જ્યારે વેપારીઓનો ધંધા-રોજગારનો સમય હોય છે, ત્યારે આવા લુખ્ખા તત્વોના કારણે સોની બજારના વેપારીઓમાં પોતાની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ અને ડરનો માહોલ છવાઈ ગયો છે.
આ ત્રાસવાદી ગેંગના શખ્સોએ હદ વટાવતા સોની બજારમાં આવેલા જાણીતા CP જ્વેલર્સ તેમજ તેની આસપાસના અન્ય 3 જેટલા વેપારીઓ સાથે ગેરવર્તણૂક કરીને માથાકૂટ કરી હતી. વાત આટલેથી જ ન અટકતા આ શખ્સોએ લોખંડના પાઇપ વડે દુકાનોના નામના બોર્ડ તોડી નાખવાના પ્રયાસો પણ કર્યા હતા. એટલું જ નહીં, બજારમાં ખરીદી કરવા આવતી મહિલાઓ અને ગ્રાહકોની છેડતી કરવાના બનાવો પણ સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક વેપારીઓની સહનશક્તિ ખૂટી ગઈ છે અને તેઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ અસામાજિક તત્વોના ત્રાસથી છૂટકારો મેળવવા અને બજારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વેપારીઓએ એકત્રિત થઈને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અને સખત પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ જ હર્ષદ મહાજન ગેંગ અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર પણ પથ્થરમારો કરી ચૂકી છે, જે સાબિત કરે છે કે આ ઇસમોને કાયદાનો કોઈ જ ભય નથી. વેપારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ ગેંગ સામે સખત કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
