કોલકાતામાં ગુરુવારે વેદાંતા ગ્રૂપના ફાઉન્ડર અને ચેરમેન અનિલ અગ્રવાલે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે તેઓ વેસ્ટ બંગાળમાં બિઝનેસ કરવા અને રોકાણ કરવા માટે ભારે ઉત્સુક છે. બાળપણમાં કોલકાતાના બુડાબજાર સાથે પોતાના મૂળ જોડાયેલા હોવાનું યાદ કરતા તેમણે કહ્યું કે તેમની કંપની જે ક્ષેત્રોમાં કામ કરે છે, તે તમામ સેક્ટરમાં અહીં રોકાણ કરવાની તેમની ઈચ્છા છે. આ માટે તેઓ ટૂંક સમયમાં જ રાજ્યના સીએમ સુવેન્દુ અધિકારીને મળવાના છે અને રોકાણના વિવિધ પ્રસ્તાવો પર વિગતવાર ચર્ચા કરશે.
અનિલ અગ્રવાલે ડબલ એન્જિન સરકારના વખાણ કરતા આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં બંગાળમાં સ્થિતિ વધુ સારી થશે અને સકારાત્મક પરિણામો આવશે. તેમણે રાજ્યની પ્રશંસા કરતા કહ્યું કે અહીં વિપુલ પ્રમાણમાં બૌદ્ધિક પ્રતિભા અને વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના વિકાસ માટે કયા ક્ષેત્રોમાં રોકાણ થઈ શકે છે તેની રૂપરેખા તૈયાર કરશે.
આ ચર્ચા દરમિયાન બિઝનેસની સાથે સાથે સામાજિક ઉત્થાન પર ભાર મૂકતા તેમણે મહિલા સશક્તિકરણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અગ્રવાલે જણાવ્યું હતું કે દેશની દરેક મહિલા આર્થિક રીતે આત્મનિર્ભર બને અને પોતાના પગ પર ઊભી રહે તે જ તેમનું મુખ્ય સ્વપ્ન છે. વેદાંતાના આ નવા રોકાણ પ્લાનથી વેસ્ટ બંગાળના યુવાનો અને મહિલાઓ માટે રોજગારીની નવી તકો ખુલવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
