દેશના હાઇવેના ભવિષ્ય અંગે યોજાયેલા CIIના એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વાહનચાલકોને મોટી રાહત આપતા કેટલાક મહત્ત્વના મુદ્દા રજૂ કર્યા હતા. તેમણે હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ વધારવાની હિમાયત કરી હતી. આ સાથે જ ઇથેનોલ મિશ્રિત ઇંધણ અને સ્પીડિંગના દંડ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર પણ ખુલીને વાતચીત કરી હતી.
આ કાર્યક્રમમાં વાત કરતાં ગડકરીએ જણાવ્યું હતું કે તેમણે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે 120 કિમી પ્રતિ કલાક સુધીની સ્પીડથી વાહન ચલાવનારાઓને સ્પીડિંગ માટે કોઈ નોટિસ કે ચલણ મોકલવામાં ન આવે. એટલું જ નહીં, જો કોઈ વાહન આ મર્યાદાથી 20 ટકા સુધી વધુ સ્પીડે પણ દોડતું હોય તો તેને પણ દંડથી રાહત આપવી જોઈએ અને માત્ર તેનાથી વધુ સ્પીડ પર જ ચલણ જારી કરવું જોઈએ. જોકે, આ નિવેદનનો અર્થ એવો નથી કાઢવાનો કે દેશના દરેક હાઇવે પર 120 કિમી પ્રતિ કલાકની સ્પીડે વાહન ચલાવવાની સત્તાવાર છૂટ મળી ગઈ છે, અને વાહનચાલકોએ હંમેશાં સંબંધિત રસ્તા પર નક્કી કરેલી સ્પીડ મર્યાદાનું પાલન કરવાનું રહેશે.
આ બેઠકમાં મંત્રીએ E20 પેટ્રોલ અંગે થઈ રહેલી ટીકાઓને ફગાવતા તેને પેઇડ પ્રોપેગન્ડા ગણાવ્યો હતો અને કહ્યું હતું કે 2022થી લાખો વાહનો આ ઇંધણ પર ચાલી રહ્યા છે અને તેનાથી કોઈ નુકસાન થયાના દાવા પાયા વિહોણા છે. સરકાર વિદેશી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરીને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને E100 સુધીના ઇથેનોલ મિશ્રણ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ માત્ર ખાસ ડિઝાઇન કરાયેલા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે જ લાગુ પડે છે, સામાન્ય પેટ્રોલ વાહનો માટે નહીં.
