JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, જામીન રદ કરવાની અરજી ફગાવી

Oct 28, 2026 | 13:35 | By JAMNAGAR MIRROR
અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, જામીન રદ કરવાની અરજી ફગાવી
રાજકોટના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં ગોંડલના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે મોટી કાનૂની રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ મંજૂર કરાયેલા જામીનને રદ કરાવવા માટેની ફરિયાદ પક્ષની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. આ નિર્ણયથી રીબડા જૂથમાં ખુશીનો માહોલ છે જ્યારે વિરોધી પક્ષને મોટો ફટકો પડ્યો છે.

સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જગાવનારા અને રાજકીય-સામાજિક ગરમાવો લાવનારા રાજકોટના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં ગોંડલ પંથકના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને દેશની સર્વોચ્ચ અદાલત તરફથી બહુ મોટી કાનૂની રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાને મંજૂર કરવામાં આવેલા જામીનને રદ કરાવવા માટે ફરિયાદ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જોકે, સર્વોચ્ચ અદાલતે બંને પક્ષોની ધારદાર દલીલો અને કાનૂની પાસાંઓ સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશને યોગ્ય ઠેરવી માન્ય રાખ્યો છે અને જામીન રદ કરવાની અરજી ફગાવી દીધી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં મે, 2025 દરમિયાન અમિત ખૂંટ નામના યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના ખિસ્સામાંથી 4 સુસાઈડ નોટ મળી આવી હતી, જેના આધારે તેમના ભાઈ મનીષ ખૂંટે રાજદિપસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા અને 2 વકીલો સહિતના આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ સસ્તા ભાવે જમીન હડપ કરવાના મુદ્દે વિવાદ થયો હતો અને આરોપીઓએ સગીરા મારફતે અમિત પર દુષ્કર્મનો ખોટો કેસ ઊભો કર્યો હતો. આ માનસિક ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને અમિતે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ હતો, જે મામલે પોલીસે અગાઉ કાનૂની કાર્યવાહી કરી હતી. હાઈકોર્ટે શરતોને આધીન જામીન મંજૂર કર્યા હતા પરંતુ તે સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન થઈ હતી.

રીબડા જૂથ અને ગોંડલ પંથકના સ્થાનિક રાજકારણ સાથે જોડાયેલા આ હાઈપ્રોફાઈલ કેસ પર છેલ્લા ઘણા સમયથી સમગ્ર સૌરાષ્ટ્રની નજર ટકેલી હતી. સુપ્રીમ કોર્ટ તરફથી હાઈકોર્ટના જામીન આદેશ પર અંતિમ મહોર મારી દેવાતાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય બાદ હવે આ પ્રકરણમાં જામીન સંબંધી કાનૂની ગૂંચ ઉકેલાઈ ગઈ છે, જ્યારે બીજી તરફ જામીન રદ કરાવવાની આશા રાખીને બેઠેલા મૂળ ફરિયાદ પક્ષને મોટો કાનૂની ફટકો પડ્યો છે.

LATEST ARTICLES