રશિયા દ્વારા યુક્રેન પર શરૂ કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી વચ્ચે સામાન્ય નાગરિકો માટે જીવ બચાવવો મુશ્કેલ બની ગયો છે. રશિયન મિલિટરીએ યુક્રેનના મુખ્ય શહેરોને ઘેરી લેવા અને કબજે કરવા માટે સતત બોમ્બબારી અને ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે ચારેબાજુ ભયનો માહોલ છે. આવી જ એક ભયાનક સ્થિતિ વચ્ચે કીવમાં રહેતા એક રશિયન સોફ્ટવેર ઈજનેર મિખાઈલ અને તેની યુક્રેનિયન ગર્લફ્રેન્ડે પોતાની સુરક્ષા માટે હંગેરી તરફ ભાગવાનું નક્કી કર્યું હતું. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા ગત ગુરુવારે શરૂ કરાયેલી આ સૈન્ય કાર્યવાહીના પગલે સમગ્ર દુનિયામાંથી રશિયા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
સુરક્ષાના કારણોસર પોતાની ઓળખ ગુપ્ત રાખનાર રશિયન યુવક મિખાઈલે જણાવ્યું કે તે અંદાજે 1 વર્ષથી યુક્રેનમાં રહેતો હતો અને તેની ગર્લફ્રેન્ડ યુક્રેનની જ છે. કીવથી હંગેરી પહોંચવાના આ 5 દિવસના લાંબા પ્રવાસ દરમિયાન તેમણે ટ્રેનો અને બસો બદલી હતી. મુસાફરી દરમિયાન રસ્તામાં સતત બોમ્બ ફૂટવાના અવાજો સંભળાતા હતા અને ઘણીવાર તેમને એવું લાગતું હતું કે તેઓ જીવતા નહીં બચી શકે. હંગેરીની સરહદે આવેલા ઝાહોની બોર્ડર ક્રોસિંગ પર બુડાપેસ્ટની ટ્રેન માટે લાઈનમાં ઊભા રહીને આ યુગલે રાહતનો શ્વાસ લીધો હતો અને ખુશીથી કિસ કરી હતી. મિખાઈલે ગુસ્સા સાથે કહ્યું કે આ બધું પાગલપન છે અને આના માટે રશિયાએ ઘણા વર્ષો સુધી કિંમત ચૂકવવી પડશે તેમજ પુતિન પર કેસ ચલાવવો જોઈએ.
લગભગ દરરોજ થતી બોમ્બબારી અને ગોળીબાર વચ્ચે આ લાંબી સફર સફળતાપૂર્વક પૂરી થયાની વાત બંને માટે લગભગ અવિશ્વસનીય હતી. આ કપલ હવે હંગેરીની કેપિટલ સિટી બુડાપેસ્ટ જવા માટે આગામી ટ્રેનમાં બેસીને રવાના થઈ ગયું છે. મિખાઈલે ચહેરા પર સ્મિત સાથે આશા વ્યક્ત કરી હતી કે હવે સમય મુશ્કેલ જરૂર રહેશે, પરંતુ આશા છે કે બધું સારું થઈ જશે અને યુક્રેન પોતાની લડતમાં મક્કમ રહેશે તેમજ આખરે સત્ય અને દયાનો જ વિજય થશે.
