શિયાળાની ઋતુમાં ધુમ્મસના કારણે હવાઈ મુસાફરોને પડતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના અંદાજ મુજબ આગામી શિયાળાની ફોગ સિઝન 15 ડિસેમ્બરથી શરૂ થઈને 2027ની સાલના ફેબ્રુઆરીની 15 તારીખ સુધી ચાલી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા ફોગ પ્રિપેર્ડનેસની પહેલી બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઓછી વિઝિબિલિટી દરમિયાન ફ્લાઇટનું સુરક્ષિત સંચાલન થાય અને મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે ખાસ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં એરલાઇન્સને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ફ્લાઇટ્સ મોડી પડે, રદ્દ થાય કે તેના સમયમાં કોઈ પણ ફેરફાર થાય તો તેની સમયસરની માહિતી SMS, ઈમેલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા યાત્રીઓને પહોંચાડવી, જેથી એરપોર્ટ પર નીકળતા પહેલા જ લોકો ફ્લાઇટનું સ્ટેટ્સ ચેક કરી શકે. આ ઉપરાંત, એરપોર્ટ પરના હેલ્પ ડેસ્ક અને હેલ્પલાઇન પર પૂરતો સ્ટાફ રાખવા તેમજ ડીજીસીએ (DGCA) દ્વારા વિમાનો અને ક્રૂ મેમ્બર્સની તૈયારીઓ ચકાસવા માટે પણ આદેશ અપાયા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) અને એરપોર્ટ સંચાલકોને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ્સ (ILS) તથા રનવે વિઝ્યુઅલ રેન્જ (RVR) સિસ્ટમ્સ તૈયાર રાખવા તેમજ ટર્મિનલ ક્ષમતા જાળવી રાખવા જણાવાયું છે.
મુસાફરોની સુરક્ષા અને સુવિધાને સર્વોપરી રાખીને એર ટ્રાફિક કંટ્રોલ અને હવામાન વિભાગને પણ સમયસર વેધર ફોરકાસ્ટ અને વિઝ્યુઅલ પ્રક્રિયાઓનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ફ્લાઇટ્સમાં અડચણ ઊભી થાય ત્યારે યાત્રીઓની અવરજવર, ટર્મિનલ રી-એન્ટ્રી, બેગેજ હેન્ડલિંગ અને ગ્રાઉન્ડ સ્ટાફની પૂરતી વ્યવસ્થા રાખવા પર ભાર મુકાયો છે. આ મહત્વની બેઠકમાં ડીજીસીએના ડાયરેક્ટર જનરલ વીર વિક્રમ યાદવ, એએઆઈના ચેરમેન પુનીત કંસલ તેમજ બીસીએએસ, સીઆઈએસએફ, આઈએમડી અને દિલ્હી એરપોર્ટ સહિતના ફોગ-અફેક્ટેડ એરપોર્ટ અને એરલાઇન્સના પ્રતિનિધિઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
