JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

માત્ર એક જ માણસની કંપનીએ કરીમાલ કર્યો, એઆઈની તાકાતથી દિગ્ગજ કંપનીએ ખરીદી લીધી સ્ટાર્ટઅપ

Oct 28, 2026 | 13:35 | By JAMNAGAR MIRROR
દુર્લભ બીમારીની દવા બનાવતા માત્ર એક વ્યક્તિના સ્ટાર્ટઅપ મિથ્રિલ મેડિસિનને એન્થ્રોપિકે ખરીદી લીધું છે. આખી કંપની ચલાવવામાં અને દવાના રિસર્ચમાં ક્લાઉડ એઆઈનું મોટું યોગદાન રહ્યું છે. ફાઉન્ડર કોડી ટ્રાન્સબર્ગર હવે એન્થ્રોપિકમાં જ જોડાઈ ગયા છે.

ટેકનોલોજીની દુનિયામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર એક જ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી બાયોટેક કંપનીને એઆઈ પાવર્ડ ચેટબોટ ક્લાઉડ બનાવતી કંપની એન્થ્રોપિકે ખરીદી લીધી છે. કોડી ટ્રાન્સબર્ગર નામના યુવાને મિથ્રિલ મેડિસિન નામનું વન-પર્સન સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જેનો હેતુ LAMA2 સંબંધિત મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી દુર્લભ આનુવંશિક બીમારી માટે દવા બનાવવાનો હતો. આ ડીલ જુલાઈમાં જ ફાઇનલ થઈ ગઈ હતી અને તાજેતરમાં તેને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા ચાલી રહી છે.

આ અનોખા સ્ટાર્ટઅપની ખાસિયત એ રહી કે ફાઉન્ડર કોડીએ કોઈ મોટી ટીમ કે સ્ટાફ રાખવાને બદલે બહારના કન્સલ્ટન્ટ્સ, લેબ્સ અને મોટા પ્રમાણમાં એઆઈ એટલે કે ક્લાઉડની મદદ લીધી હતી. એઆઈએ 11 અલગ-અલગ બહારની લેબ્સના કોન્ટ્રેક્ટ્સ, લોજિસ્ટિક્સ અને પ્રયોગોને શાનદાર રીતે મેનેજ કર્યા, જેના પરિણામે માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં જ ઉંદર પરના પ્રયોગોમાં પોઝિટિવ પરિણામો મળી ગયા. કંપનીના ફાઉન્ડર કોડી હવે એન્થ્રોપિક કંપનીમાં જ જોડાઈ ગયા છે અને તેઓ આ પ્રોજેક્ટને લીડ કરશે, જ્યારે એન્થ્રોપિકનું માનવું છે કે જો બધું સમુંસૂતરું પાર ઉતરશે તો આ દવા 2028ના અંત સુધીમાં હ્યુમન ટ્રાયલ માટે તૈયાર થઈ શકે છે.

આ માત્ર એક જ સ્ટાર્ટઅપની વાત નથી, પરંતુ એન્થ્રોપિક કંપની જનરેટ બાયોમેડિસિન્સ, ડાઇવર્જન્સ લેબ્સ અને બિગ્ચેટ બાયોસાયન્સ જેવી અન્ય 6 ડ્રગ ડેવલપર કંપનીઓ સાથે પણ કામ કરી રહી છે જ્યાં એઆઈની મદદથી દવાના રિસર્ચ અને ડોક્યુમેન્ટેશનનું કામ અદ્ભુત ઝડપે થઈ રહ્યું છે. એન્થ્રોપિકના સહ-સ્થાપક ડારિયો અમોડેઈ અને ગૂગલ ડીપમાઈન્ડના ડેમાિસ હાસાબિસ જેવા દિગ્ગજો પણ માને છે કે આગામી એક દાયકામાં એઆઈની મદદથી માનવજાતના તમામ રોગોનો ઇલાજ શોધી શકાશે. દવાની બનાવટમાં થતા ખર્ચ અને સમયને ઘટાડવા માટે હવે એઆઈનો વ્યાપક ઉપયોગ ભવિષ્યની મેડિકલ ઇન્ડસ્ટ્રીનું ચિત્ર બદલી નાખવા માટે તૈયાર છે.

LATEST ARTICLES