JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

લદાખ પ્રશાસને સોનમ વાંગચુકના દાવાને ફગાવ્યો, ગલીએ ગલીએ વાઇન શોપ ખૂલવાની વાત નરવા સિસર

Oct 28, 2026 | 13:35 | By JAMNAGAR MIRROR
લદાખ પ્રશાસને સોનમ વાંગચુકના દાવાને ફગાવ્યો, ગલીએ ગલીએ વાઇન શોપ ખૂલવાની વાત નરવા સિસર
સોનમ વાંગચુકના આક્ષેપ સામે લદાખના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે કડક વલણ અપનાવ્યું છે અને સ્પષ્ટતા કરી છે કે આખા ક્ષેત્રમાં માત્ર એક જ લિકર શોપ ચાલુ છે અને બાકીના દાવા પાયાવિહોણા છે.

લદાખમાં દારૂના વેચાણ અને નીતિઓને લઈને જાણીતા ક્લાયમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક દ્વારા કરવામાં આવેલા દાવાઓ સામે હવે વહીવટી તંત્ર મેદાને આવ્યું છે. લદાખ પ્રશાસને સોનમ વાંગચુકના એ દાવાને સદંતર ખોટો અને કાલ્પનિક ગણાવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશની ગલીએ ગલીએ બાર અને વાઇન શોપ ખૂલી રહ્યા છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે એક સખત નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સોનમ વાંગચુક જનતામાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, કારણ કે વાસ્તવિકતા આનાથી બિલકુલ અલગ છે અને હાલ સમગ્ર લદાખમાં માત્ર એક જ સ્ટેન્ડઅલોન લિકર શોપ કાર્યરત છે.

થોડા દિવસો પહેલા નવી દિલ્હીના લદાખ ભવન ખાતે સોનમ વાંગચુક દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના પર મનસ્વી નિર્ણયો લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી છે તો લદાખમાં દારૂને કેમ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? આના જવાબમાં પ્રશાસને જણાવ્યું કે એક્સાઇઝ પોલિસી 2026-27 હેઠળ લિકર શોપ વધારીને 20 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓના વિરોધ બાદ 26 ઓગસ્ટના રોજ આ પોલિસી પાછી ખેંચી લેવામાં આવી હતી અને જૂની 2025-26 ની પોલિસી જ લાગુ રાખવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ, જૂની નીતિ હેઠળ લેહના વોર્ડ 6 માં માત્ર એક જ દુકાન ચાલુ છે, જ્યારે વોર્ડ 4 માં કોઈ બોલી ન મળવાથી એક પણ દુકાન નથી. આ સિવાય રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા 50 લિકર વેન્ડર્સ, જેમાં લેહમાં 38, નુબ્રામાં 7, જાંસ્કારમાં 3 અને ચાંગથાંગમાં 2 છે, તેમજ લેહમાં 2 બીઅર બાર અને થોડી હોટલો પાસે લાઇસન્સ છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની આસપાસ દારૂની દુકાનો ખોલવાના નિયમોનું કડક પાલન થાય છે અને વાંગચુકના આક્ષેપો પાયાવિહોણા છે.

આ વિવાદ વચ્ચે બૌદ્ધ, મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયની મહિલાઓએ લેહમાં રેલી કાઢીને લદાખને ડ્રાય સ્ટેટ જાહેર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું છે. આ બાબતે મંગળવારે યોજાયેલી બેઠકમાં ચીફ સેક્રેટરી આશિષ કુંદ્રાએ જણાવ્યું હતું કે ટૂરિઝમ, રોજગારી અને ગેરકાયદેસર દારૂના જોખમને ધ્યાનમાં રાખીને કોઈપણ નિર્ણય લેતા પહેલા વિસ્તૃત ચર્ચા કરવી જરૂરી છે. પ્રશાસને આ મામલે મધ્યમ માર્ગ કાઢવાની તૈયારી દર્શાવી છે અને સોનમ વાંગચુકને પણ સલાહ આપી છે કે ભવિષ્યમાં કોઈપણ જાહેરમાં નિવેદન આપતા પહેલા સરકારી રેકોર્ડ અવશ્ય ચકાસી લેવા જોઈએ.

LATEST ARTICLES