JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

જેતપુરના ઝેરી પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે વિરોધના મંડાણ, માછીમારોએ મોરચો માંડ્યો

Oct 28, 2026 | 13:15 | By JAMNAGAR MIRROR
જેતપુરના ઝેરી પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે વિરોધના મંડાણ, માછીમારોએ મોરચો માંડ્યો
પોરબંદરના દરિયાકાંઠે પર્યાવરણ અને માછીમારો પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. જેતપુરના સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી ડીપ-સી પાઈપલાઈન દ્વારા દરિયામાં ઠાલવવાની યોજના સામે માછીમાર જાગૃત મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને આ પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

પોરબંદરના દરિયાકાંઠે પર્યાવરણીય સંકટના વાદળો ઘેરાયા છે અને તેના કારણે સ્થાનિક માછીમારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મામલો એ છે કે જેતપુરના સાડી ઉદ્યોગોનું ઝેરી અને કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ડીપ સી એક્સફ્લુઝન પાઈપલાઈન દ્વારા પોરબંદર જિલ્લાના સમુદ્રમાં ઠાલવવાની યોજના બનાવવામાં આવી છે. આ ગંભીર મુદ્દે માછીમાર જાગૃત મંડળ, જૂના બંદર, પોરબંદર દ્વારા આજે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને લેખિત પત્ર પાઠવી દેવામાં આવ્યો છે. મંડળનું સ્પષ્ટ કહેવું છે કે જો આ ઝેરી પાણી દરિયામાં છોડવામાં આવશે તો તેનાથી મરીન લાઈફ અને પર્યાવરણને ભારે નુકસાન થશે.

આ વિવાદ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યો છે છતાં તેનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. માછીમારોના જણાવ્યા મુજબ, અગાઉ માછીમાર બોટ એસોસિએશનને મંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આ કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં નહીં ઠલવાય. આ માンગે અગાઉ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાને પણ અનેક રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. એટલું જ નહીં, એપ્રિલ 2025માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લેખિત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેના પગલે પીએમઓ કચેરીમાંથી મંડળના પ્રમુખનો ટેલિફોનિક સંપર્ક કરીને રાજ્ય સરકારને યોગ્ય સૂચના આપવાની ખાતરી પણ અપાઈ હતી.

આટલા બધા ઉચ્ચ સ્તરીય પત્રવ્યવહાર અને સરકારી ખાતરીઓ છતાં હાલમાં પોરબંદર જિલ્લામાં પાઈપલાઈન નાખવાની કામગીરી જમીન પર શરૂ થઈ ગઈ છે, જેના કારણે માછીમારોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. આ ઝેરી પાણીથી માત્ર દરિયાઈ જીવો જ નહીં, પરંતુ દરિયાકાંઠાની જમીન અને પોરબંદરના હજારો માછીમારોની રોજીરોટી અને આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડવાની દહેશત છે. માછીમારોએ ચેતવણી આપી છે કે જો આ પ્રોજેક્ટ વહેલી તકે રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

LATEST ARTICLES