સામાન્ય રીતે માણસ 92 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેના પૌત્ર-પૌત્રીઓ પણ યુવાન થઈ ગયા હોય છે, પરંતુ અમેરિકાના નોર્મન્ડ તુસિગ્નન્ટના જીવનમાં એક એવી અનોખી ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા છે. નોર્મન્ડ 92 વર્ષ અને 24 દિવસની ઉંમરે જીવનમાં પહેલીવાર દાદા બન્યા હતા. હવે આ જ અસાધારણ બાબતને ધ્યાનમાં રાખીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેમને વિશ્વમાં સૌથી વધુ વયે પ્રથમ વખત દાદા બનનાર વ્યક્તિ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.
આ અનોખા કિસ્સાની વિગતવાર વાત કરીએ તો 22 સપ્ટેમ્બર, 2022ના રોજ નોર્મન્ડના પરિવારમાં એક નાની બાળકીનો જન્મ થયો હતો, જેનું નામ મેડિસન રાખવામાં આવ્યું હતું. મેડિસનના જન્મ ટાંકણે નોર્મન્ડની ઉંમર ચોક્કસપણે 92 વર્ષ અને 24 દિવસની હતી. આટલી મોટી ઉંમરે દાદા બનવું એ ખરેખર અસામાન્ય હોય, જેથી પરિવારે આ વાતને ગંભીરતાથી લઈને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સનો સંપર્ક કર્યો હતો. સંબંધીઓ તરફથી તમામ જન્મતારીખો અને પારિવારિક ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી હતી અને ઓગસ્ટ 2026માં જ્યારે નોર્મન્ડે પોતાનો 96મો જન્મદિવસ ઊજવ્યો ત્યારે તેમને આ ખાસ રેકોર્ડનું સન્માન મળ્યું હતું.
અગાઉ આ પ્રકારનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ સ્મિથના નામે બોલતો હતો, પરંતુ નોર્મન્ડે આ લગભગ 6 મહિનાના માર્જિનથી જૂનો રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે. ખાસ વાત એ છે કે આ રેકોર્ડ સૌથી મોટી ઉંમરે પિતા બનવાનો કે લાંબુ આયુષ્ય જીવવાનો નથી, પરંતુ પ્રથમ પૌત્ર કે પૌત્રીના આગમન સમયે દાદાની ઉંમર કેટલી હતી તેના પર આધારિત છે. પરિવારની પેઢીઓના આ અનોખા ગણિતે અમેરિકાના આ દાદાને વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બનાવી દીધા છે.
