ન્યુ યોર્ક સિટીમાં યોજાયેલી એક રોમાંચક હરાજીમાં ડાયનાસોરના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બન્યો છે, જ્યાં મિની ટી. રેક્સ જેવા દેખાતા નાનોટિરાનસ ડાયનાસોરનું દુર્લભ હાડપિંજર 47.3 મિલિયન ડૉલરમાં વેચાયું છે. પ્રખ્યાત ઓક્શન હાઉસ સોથેબી દ્વારા આયોજિત આ હરાજીમાં આ અશ્મિની કિંમત અગાઉ માત્ર 6 થી 9 મિલિયન ડૉલર વચ્ચે જ અંકાયી હતી, પરંતુ આ બ્લોકબસ્ટર કિંમતે સૌને ચોંકાવી દીધા છે. 'જોડી' ઉપનામ પામેલું આ હાડપિંજર હવે દુનિયાનું બીજા નંબરનું સૌથી મોંંગું વેચાયેલું ડાયનાસોરનું હાડપિંજર બની ગયું છે, જ્યારે આ ઉનાળામાં જ 'ગસ' નામના ટી. રેક્સના અશ્મિએ 50.1 મિલિયન ડૉલરનો રેકોર્ડ બનાવ્યો હતો.
આ લાઈવ હરાજી લગભગ 12 મિનિટ સુધી ચાલી હતી, જેમાં 5 જેટલા સંભવિત ખરીદદારો ઓનલાઈન અને ફોન દ્વારા ટક્કર આપી રહ્યા હતા, પરંતુ અંતે બાજી મારનાર વિજેતા ખરીદદારે પોતાની ઓળખ ગુપ્ત રાખી છે. 'જોડી' નામનું આ અદ્ભુત હાડપિંજર આશરે 6.5 ફૂટ એટલે કે 2 મીટર ઊંચું અને લગભગ 20 ફૂટ એટલે કે 6 મીટર લાંબું છે, જે અત્યાર સુધી દુનિયામાં માત્ર 3 જ અસ્તિવમાં હોવાનું જાણીતું છે અને તે લગભગ 70 ટકા જેટલું પૂર્ણ હાલતમાં છે. આ અશ્મિની ખાસિયત એ છે કે મોંટાનાના એક રૅન્ચર જોડી પીરસન દ્વારા વર્ષ 2019માં તેમની જમીન પરથી આ શોધાયું હતું અને તેમના નામ પરથી જ તેને 'જોડી' નામ આપવામાં આવ્યું હતું, જે ક્રેટેસિયસ પિરિયડ દરમિયાન આશરે 67 મિલિયન વર્ષો પહેલા વિશાળ ટી. રેક્સ સાથે જ ધરતી પર અસ્તિત્વ ધરાવતું હતું.
વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી દ્વિધામાં હતા કે નાનોટિરાનસ એ કોઈ અલગ પ્રકારનું ડાયનાસોર છે કે પછી માત્ર ટી. રેક્સનું નાનું બચ્ચું છે, પરંતુ ગયા વર્ષે જ પ્રકાશીત થયેલા સંશોધને સ્પષ્ટ કર્યું કે તે એક અલગ જ પ્રજાતિ છે. જોકે બીજી તરફ, કેટલાક વૈજ્ઞાનિકો આ પ્રકારે ખાનગી હરાજીમાં અશ્મિઓના વેચાણનો વિરોધ કરી રહ્યા છે તેમનું માનવું છે કે આવા મહત્વપૂર્ણ ફોસિલ્સ રિસર્ચ માટે મ્યુઝિયમમાં જ હોવા જોઈએ. આમ છતાં, આ હરાજીએ વિજ્ઞાન જગતમાં અને અશ્મિ પ્રેમીઓમાં ભારે કુતૂહલ જગાવ્યું છે અને આ અદ્ભુત નમૂનો હાલ ઇતિહાસના પાનાઓમાં અમર થઈ ગયો છે.
