ઇઝરાયેલમાં હાલમાં યોજાયેલી ચૂંટણીના એક્ઝિટ પોલ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે દેશની જનતાએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના જમણેરી ગઠબંધન સામે મોટો અસંતોષ વ્યક્ત કર્યો છે. એક્ઝિટ પોલ મુજબ નેતન્યાહૂ અને તેમના મુખ્ય હરીફ ગાડી આઈઝેનકોટ વચ્ચે નેક-ટૂ-નેક ફાઈટ છે અને કોઈ સ્પષ્ટ વિજેતા સામે આવ્યો નથી. જોકે, ચૂંટણીના આ પરિણામોથી ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે નેતન્યાહૂ સત્તામાંથી તરત બહાર થઈ ગયા હોય તેવું નથી લાગતું, કારણ કે આગામી સરકાર બનાવવા માટે પક્ષો વચ્ચે લાંબી મંત્રણાઓ ચાલી શકે છે.
આ ચૂંટણીમાં ઈરાન વિરુદ્ધની નીતિ સૌથી મોટો મુદ્દો બનીને સામે આવી છે. સૈન્યના પૂર્વ ચીફ અને દિગ્ગજ જનરલ રહી ચૂકેલા ગાડી આઈઝેનકોટનું માનવું છે કે ઈરાનમાં સત્તા પરિવર્તન લાવવું એ કોઈ વાજબી કે સરળ લક્ષ્ય નથી. તેમણે ઈરાન સામે ઓલ-આઉટ યુદ્ધ લડવાને બદલે આર્થિક દબાણ વધારવાની નીતિ અપનાવવાનું સમર્થન કર્યું છે. જોકે, તેઓ ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ પર લશ્કરી હુમલા કરવાના પક્ષમાં જરૂર છે, પરંતુ તે કાયમી યુદ્ધના રૂપમાં ન હોવું જોઈએ. બીજી બાજુ, નેતન્યાહૂનું સ્પષ્ટ માનવું છે કે ઈરાનમાં શાસન બદલાવ વગર કાયમી શાંતિ શક્ય નથી. એટલું જ નહીં, વોશિંગ્ટન પોસ્ટ અને અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર ચૂંટણી પહેલા નેતન્યાહૂએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર સંયુક્ત હુમલો કરવા માટે મનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે અમેરિકાએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.
આ બંને નેતાઓ વચ્ચે અમેરિકા સાથેના સંબંધો અને વિદેશ નીતિ બાબતે પણ મોટો તફાવત જોવા મળે છે. નેતન્યાહૂ અમેરિકા અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને ઇઝરાયેલની સુરક્ષા માટે સૌથી મોટું કવચ માને છે, જ્યારે આઈઝેનકોટનું માનવું છે કે ઇઝરાયેલે વોશિંગ્ટન પર વધુ પડતા આધાર રાખ્યા વગર સ્વતંત્ર રીતે પગલાં લેવા જોઈએ. આઈઝેનકોટ યૂઝ અને આરબ સેટલર્સના સહ-અસ્તિત્વવાળા આધુનિક ઇઝરાયેલના સમર્થક છે, જ્યારે નેતન્યાહૂએ આરબ પાર્ટીઓ સાથેના જોડાણને દેશદ્રોહ સમાન ગણાવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે વિરોધી પક્ષો ગઠબંધન કરીને સરકાર બનાવવામાં સફળ થાય છે કે પછી નેતન્યાહૂ ફરીથી સત્તા જાળવી રાખવામાં કામયાબ રહે છે.
