અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી એક અત્યંત અજીબોગરીબ અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં મર્ડરના ટ્રાયલ દરમિયાન કોર્ટરૂમમાં ઊભેલા એક આરોપીએ સજા સ્વીકારવા બદલ જજ સમક્ષ ખાવાની વિચિત્ર ડિમાન્ડ મૂકી હતી. આ કેસમાં 74 વર્ષીય રોબર્ટ કેસલર નામના વ્યક્તિ પર 2021માં ટેમ્પા વિસ્તારમાં રહેતી 47 વર્ષીય સ્ટેફની ક્રોન-ઓવરહોલ્ટ્સની હત્યા કરવાનો અને લાશ સાથે ચેડાં કરવાનો ગંભીર આરોપ છે. આ ઘટના ત્યારે બની જ્યારે આરોપી રોબર્ટ કેસલર, જે હવે અંધ થઈ ગયા હોવાનું કહેવાય છે, હિલસ્બોરો સર્કિટ જજ નિક નાઝારેટિયન સમક્ષ જ્યુરી સિલેક્શન માટે હાજર થયા હતા. જજે તેમને પ્લી ડીલ કરીને લાઇફ ઇમ્પ્રિઝનમેન્ટ સ્વીકારી લેવા અને કેસ પૂરો કરવા કહ્યું હતું, જેના જવાબમાં આરોપીએ ફિલી ચીઝસ્ટેક સાથે ડીલ કરવાની વાત કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે જજે તેમને પ્લી ડીલ સ્વીકારવા કહ્યું ત્યારે કેસલરે થોડીવાર વિચારીને કહ્યું કે તે ફિલી ચીઝસ્ટેક, ફ્રાઇઝ અને પેપ્સી મળે તો ગુનો કબૂલ કરવા તૈયાર છે. આ સાંભળીને જજ પણ ચોંકી ગયા હતા, ત્યારે કેસલરે પોતાની ડિમાન્ડમાં ઉમેર્યું કે તેને સેન્ડવિચમાં ડુંગળી અને મિયોનેઝ પણ જોઈએ છે અને તેનાથી ટેક્સપેયર્સના પૈસા પણ બચશે કારણ કે આખો ટ્રાયલ નહીં ચલાવવો પડે. જોકે, જજ નિક નાઝારેટિયને આ માંગણી સ્પષ્ટપણે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે પ્લી ડીલ સામેલ કરવા માટે કોઈને ખોરાક આપી શકાય નહીં અને તે એક હજાર પ્રકારે ખોટું ગણાય. જજે તેને ખાતરી આપી હતી કે તેને આજે લંચ જરૂર મળશે, પરંતુ તે શું હશે તેની ખાતરી આપી શકાતી નથી. જજ દ્વારા ખાવાની ઓફર ન સ્વીકારવામાં આવતા કેસલરે આ ડીલ રદ કરી દીધી હતી અને જજને આગળની જ્યુરી સિલેક્શન પ્રક્રિયા ચાલુ રાખવા માટે કહ્યું હતું.
આ સમગ્ર મર્ડર કેસની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, નવેમ્બર 2021માં મેક્કે બે નામના વિસ્તારમાંથી ફિશરમેનને સ્ટેફનીના શરીરના ટુકડા મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે પીડિતા સ્ટેફની ગુમ થતા પહેલાં ટેમ્પા વિસ્તારમાં કેસલર અને તેની દીકરી સાથે રહેતી હતી અને તેઓ એક મેકડોનાલ્ડ્સમાં મળ્યા હતા. કોર્ટના દસ્તાવેજો મુજબ, ઓછામાં ઓછા 3 witnesses એવું જણાવ્યું હતું કે તેમણે કેસલર જેવા દેખાતા એક માણસને ખાડીમાં કચરાની થેલીઓ ફેંકતા જોયો હતો. આ ઉપરાંત, કેસલરે હત્યા પહેલાં પીડિતા સાથે ઝઘડો કર્યો હોવાની વાત પણ સામે આવી હતી, અને હવે આ વિચિંત્ર ડિમાન્ડનો કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
