બુધવારે સ્ટોક માર્કેટમાં જિઓ પ્લેટફોર્મ્સે શાનદાર એન્ટ્રી કરીને બધાને ચોંકાવી દીધા છે. BSE અને NSE પર કંપનીના શેરો 1,119 રૂપિયાની ઈશ્યુ પ્રાઈઝ સામે આશરે 21.35 ટકાના મજબૂત પ્રીમિયમ સાથે 1,358 રૂપિયા પર લિસ્ટ થયા હતા. શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન આ સ્ટોક હાઇમાં 1,375 રૂપિયા અને લોમાં 1,356.40 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આ રેકોર્ડબ્રેક લિસ્ટિંગ બાદ જિઓ પ્લેટફોર્મ્સનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે 12.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, જે તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બાદ ભારતની બીજી સૌથી મોટી લિસ્ટેડ કંપની બનાવવામાં સફળ રહ્યું છે.
આ મેગા આઈપીઓને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને તે ખુલ્યાના માત્ર 95 મિનિટમાં જ ફુલ સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો, જે ભારતીય ઇતિહાસમાં સૌથી ઝડપી સબ્સ્ક્રાઇબ થયેલ પબ્લિક ઇશ્યુ બન્યો છે. કંપનીનો 30,213 કરોડ રૂપિયાનો આ આઈપીઓ કુલ 22.19 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, જેમાં પબ્લિક ઇશ્યુ અને એન્કર પ્લેસમેન્ટ મળીને કુલ 7.4 લાખ કરોડ રૂપિયાથી વધુની બિડ મળી હતી અને એપ્લિકેશનોનો આંકડો 1.39 કરોડની નજીક પહોંચી ગયો હતો. આ લિસ્ટિંગ સાથે હવે દેશની ટોચની કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 15.89 લાખ કરોડ અને જિઓ પ્લેટફોર્મ્સ 12.50 લાખ કરોડ રૂપિયાના મૂલ્ય સાથે ટોચના સ્થાને બિરાજમાન છે.
લિસ્ટિંગ સેરેમની દરમિયાન મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે રોકાણકારોનો આ પ્રતિસાદ તેમની કલ્પના બહારનો હતો અને આ માત્ર એક શરૂઆત છે. કંપની હાલમાં 540 મિલિયનથી વધુ કસ્ટમર્સને સેવા આપી રહી છે અને આગામી સમયમાં સ્પેસ કનેક્ટિવિટી તેમજ ડિજિટલ સોસાયટીના નિર્માણ દ્વારા ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવવા કટિબદ્ધ છે. પરિવારના આગેવાનો અને રોકાણકારોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં અંબાણીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ગ્રાહકો અને શેરહોલ્ડર્સના વિશ્વાસને હંમેશાં જાળવી રાખશે અને કંપનીને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે.
