દક્ષિણ આફ્રિકાના જાંબાઝ ઓબ્સ્ટેકલ કોર્સ રેસિંગ ચેમ્પિયન થૉમસ વૅન ટૉન્ડરે એક એવું સાહસ કરી બતાવ્યું છે કે જેને જાણીને સૌ કોઈ દંગ રહી જશે. ગત 26 ઓક્ટોબર 2026ના રોજ તેમણે બ્લૂક્રાન્સ બ્રિજની નીચે નદીથી પૂરી 216 મીટરની ઊંચાઈએ હવામાં લટકતા 600 મંકી બાર્સ પર ચાલીને એક વર્લ્ડ-ફર્સ્ટ કારનામું કરી બતાવ્યું છે. આ ખતરનાક કોર્સ લગભગ 280 મીટર લાંબો હતો, જેમાં એથ્લીટે પોતાના હાથોના જોરે જ આખો રસ્તો કાપવાનો હતો. આ અતિઘાતક પડકારમાં થૉમસની પકડની મજબૂતાઈ, સ્ટેમિના અને માનસિક મક્કમતાની અસલી પરીક્ષા થઈ હતી, જે તેમણે સફળતાપૂર્વક પાર કરી લીધી છે.
આ અનોખા રેડ બુલ બ્રિજ બાર્સ ચેલેન્જ માટે ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, જે બ્રિજના આર્ચ એટલે કે કમારના આકાર મુજબ ગોઠવાયેલી હતી. આના કારણે એથ્લીટે પહેલા 45 ડિગ્રીના steep ચઢાણ પર ચઢવાનું હતું, ત્યારબાદ સૌથી ઊંચા ભાગને પાર કરીને બીજી બાજુ નીચે ઉતરવાનું હતું. થૉમસે સવારે 10:21 વાગ્યે 150 હાર્ટ રેટ સાથે આ શરૂઆત કરી હતી. તેમને અગાઉ એમ હતું કે આ ટાસ્ક 30 થી 35 મિનિટમાં પૂરું થઈ જશે, પરંતુ બ્રિજના મધ્ય ભાગમાં પહોંચતા જ હાથ અને શરીરના સ્નાયુઓ પર સતત ભાર આવવાથી થાક વધી ગયો હતો. જોકે, હાથની આંગળીઓ પર રક્ષણાત્મક ટેપ ઘસાવા છતાં અને પકડ નબળી પડવા છતાં તેમણે હિંમત હારી ન હતી.
આ શાનદાર સિદ્ધિ પાછળ થૉમસની છેલ્લા 2 વર્ષની સખત મહેનત અને 6 મહિનાનું ખાસ ટ્રેનિંગ સેશન જોડાયેલું હતું. તેમણે ઘર આંગણે જ લગભગ 50 મીટર લાંબા અપહિલ મંકી બાર્સ પર પ્રેક્ટિસ કરી હતી. આ પ્રોજેક્ટ માટે વર્ટિકલ સેફ્ટી સિસ્ટમ્સની ટીમે બ્રિજને નુકસાન પહોંચાડ્યા વગર જ બે સ્વતંત્ર સેફ્ટી પોઇન્ટ્સ સાથેની વિશેષ રિંગિંગ સિસ્ટમ તૈયાર કરી હતી. અગાઉ 2019માં વર્લ્ડ ચેમ્પિયન અને 2020માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર થૉમસે સાબિત કરી દીધું કે જો મોટું લક્ષ્ય હોય અને પાક્કો ઇરાદો હોય, તો હવામાં લટકતા 600 બાર્સ પણ જીતી શકાય છે.
