JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ટ્રેનના વોશરૂમમાં પાણી ન હોવાથી પરિવારને ઉતરી જવું પડ્યું, રેલવેએ આપવો પડશે દંડ

Oct 28, 2026 | 12:15 | By JAMNAGAR MIRROR
ટ્રેનના વોશરૂમમાં પાણી ન હોવાથી પરિવારને ઉતરી જવું પડ્યું, રેલવેએ આપવો પડશે દંડ
કર્ણાટકના કન્ઝ્યુમર કમિશને સાઉથ વેસ્ટર્ન રેલવેને સેવાઓમાં બેદરકારી બદલ દોષી ઠેરવી છે. ટ્રેનમાં પાણી ન મળવાને કારણે હેરાન થયેલા 52 વર્ષના મુસાફર અને તેના પરિવારની તરફેણમાં ચુકાદો આપીને રેલવેને રિફંડ અને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો વોશરૂમમાં પાણી ન મળે તો મુસાફરોની શું હાલત થાય તેનો અંદાજો લગાવી શકાય. કર્ણાટકના શિમોગા જિલ્લાના 52 વર્ષના ટી. નાગેન્દ્ર નામના મુસાફર સાથે બિલકુલ આવું જ બન્યું હતું. એપ્રિલ 2025માં તેઓ પોતાના પરિવારના 23 સભ્યો સાથે આંધ્રપ્રદેશના તિરુપતિ-તિરુમલા મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બેંગ્લુરુના યશવંતપુરા સ્ટેશનથી શિમોગા જવા માટે આ મોટા પરિવારે સેકન્ડ ક્લાસની ટિકિટ લીધી હતી, પરંતુ જેવી ટ્રેન તુમકુર તરફ આગળ વધી કે તરત જ તેમને ખબર પડી કે તેમના કોચના વોશરૂમમાં એક પણ ટીપું પાણી નથી. પાણીના અભાવે પરિવારની મહિલાઓ અને બાળકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને તેઓ વોશરૂમનો ઉપયોગ પણ કરી શક્યા ન હતા.

આ મામલે ટ્રેનમાં હાજર પોલીસકર્મીઓએ પણ અસમર્થતા દર્શાવી હતી અને તુમકુર સ્ટેશને ઉતરીને સ્ટેશન માસ્તરને મળવાની સલાહ આપી હતી. ત્યારબાદ નાગેન્દ્ર અને તેમના પરિવારે 15 એપ્રિલ 2025ના રોજ તુમકુર સ્ટેશને ઉતરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી અને સાંજે આશરે 8.30 વાગ્યે બીજી એક્સપ્રેસ ટ્રેનની વધારાની 1760 રૂપિયાની ટિકિટ ખરીદીને પોતાના વતન શિમોગા પહોંચ્યા હતા. રેલવે ઓથોરિટીએ આ ફરિયાદની કોઈ નોંધ ન લેતા અને લીગલ નોટિસનો પણ કોઈ જવાબ ન આપતા નાગેન્દ્રએ કન્ઝ્યુમર કમિશનના દરવાજા ખખડાવ્યા હતા. બીજી તરફ રેલવેએ પોતાના બચાવમાં દાવો કર્યો હતો કે ટ્રેન ઉપડતા પહેલા પાણીની પૂર્તિ કરવામાં આવી હતી અને મુસાફરોની આ વાત પાયાવિહોણી છે.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કમિશનના પ્રેસિડેન્ટ ટી. શિવન્ના અને મેમ્બર બી.ડી. યોગાનંદની બેન્ચે રેલવે ઓથોરિટીને સેવાઓમાં બેદરકારી બદલ દોષી ઠેરવી હતી. કમિશને સ્પષ્ટ કર્યું કે ગમે તેવી નાની કે મોટી ફરિયાદ હોય, રેલવે પ્રશાસનની જવાબદારી બને છે કે તે મુસાફરોની સમસ્યાનું નિરાકરણ લાવે. કમિશને આદેશ આપ્યો છે કે રેલવેએ મૂળ ટિકિટના 1000 રૂપિયા રિફંડ તરીકે, માનસિક ત્રાસ માટે 10000 રૂપિયા વળતર અને કેસનો ખર્ચ પેટે 5000 રૂપિયા મળીને કુલ 16000 રૂપિયા કમિશનના આદેશ મુજબ નિયત સમયમાં ચૂકવવા પડશે. જો નિર્ધારિત સમયમાં રકમ નહીં ચૂકવાય તો વધારાનું વ્યાજ પણ લાગુ પડશે.

LATEST ARTICLES