ગુરુગ્રામમાં ગત 13 સપ્ટેમ્બરના રોજ મહિલા બાઈકર શિવાની ચૌહાણ સાથે થયેલા હિટ એન્ડ રન કેસમાં હવે મોટું સત્ય બહાર આવ્યું છે. આ મામલાની તપાસ માટે ખાસ રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આરોપી કલ્યાણ બૈસલાએ શિવાનીની બાઈકને ભૂલથી નહીં પરંતુ જાણી જોઈને કારથી ટક્કર મારી હતી. આ ઘટનાનો હેલ્મેટ કેમેરામાં રેકોર્ડ થયેલો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દેશભરમાં રોષ ફેલાયો હતો, ત્યારબાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસની વિગતો આપતા પોલીસે જણાવ્યું કે 27 વર્ષીય શિવાની ચૌહાણ દિલ્હીના કલકાજીની રહેવાસી છે અને તે તેના મિત્રો સાથે ગોલ્ફ કોર્સ રોડથી એક્સટેન્શન રોડ તરફ જઈ રહી હતી. તે દરમિયાન આરોપી કલ્યાણ બૈસલાએ તેની કારથી શિવાનીનો પીછો કર્યો હતો અને અશોભનીય ચેષ્ટાઓ કરી હતી. ત્યારબાદ કારથી બાઈકને સાઈડમાંથી જોરદાર ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે શિવાની રસ્તા પર પટકાઈ હતી. આ મામલે પોલીસે એફઆઈઆર નોંધતી વખતે જ કલમ 78, 79, 109 એટલે કે હત્યાના પ્રયાસની કલમ અને 3(5) હેઠળ ગુનો નોંધ્યો હતો. SITના વડા અને ક્રાઈમ અગેન્સ્ટ વિમેનના ACP સુશીલાએ જણાવ્યું કે એફઆઈઆરમાં લગાવવામાં આવેલી તમામ ગંભીર કલમો યથાવત રાખીને આગામી 1 અઠવાડિયામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.
ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપી કલ્યાણ બૈસલા અને તેના પિતરાઈ ભાઈ લવનીશને પોલીસે 15 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનના દૌસા જિલ્લાના રાજગઢમાંથી પકડી પાડ્યા હતા. આ ઘટના વખતે કારમાં કુલ 4 લોકો બેઠા હતા. હાલમાં મુખ્ય આરોપી કલ્યાણ બૈસલા અને લવનીશ ગુરુગ્રામની ભોંડસી જેલની હવા खाઈ રહ્યા છે કારણ કે કોર્ટે તેમના જામીન ફગાવી દીધા છે. હરિયાણા મહિલા આયોગની નોટિસ બાદ પોલીસ કમિશનરશિબાશ કવિરાજે 5 સભ્યોની SIT બનાવી હતી, જેણે આ ઊંડાણપૂર્વકની તપાસ કરીને હવે આ કેસને અંજામ સુધી પહોંચાડવાની તૈયારી કરી લીધી છે.
