JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પેરોલ પૂરા થયા છતાં જેલમાં હાજર ન થયા આસારામ, હવે નવો કેસ નોંધાવાની તૈયારી

Oct 28, 2026 | 12:10 | By JAMNAGAR MIRROR
પેરોલ પૂરા થયા છતાં જેલમાં હાજર ન થયા આસારામ, હવે નવો કેસ નોંધાવાની તૈયારી
સગીર પર બળાત્કાર કેસમાં આજીવન કેદ કાપી રહેલા આસારામની 20 દિવસની પેરોલ મુદત પૂરી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પેરોલ વધારવાની ના પાડી હોવા છતાં તેઓ જેલમાં પરત ફર્યા નથી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેને કારણે જેલ વહીવટીતંત્ર હવે કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.

સગીર પર અત્યાચારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ વિવાદોમાં ઘેરાયેલા છે. તબીબી કારણોસર તેમને 6 ઓક્ટોબરના રોજ 20 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. આ પેરોલની મુદત મંગળવારે પૂરી થઈ ગઈ હતી અને નિયમ મુજબ તેમણે મંગળવારે સાંજે 5 વાગ્યા સુધીમાં જોધપુર જેલમાં પરત હાજર થઈ જવાનું હતું, પરંતુ તેઓ નિર્ધારિત સમયે જેલમાં પહોંચ્યા નહોતા.

મળતી માહિતી મુજબ, આસારામ પેરોલ પૂરા થવા છતાં જોધપુર જેલમાં હાજર થવાને બદલે હાલ ઉજ્જૈનની ધન્વંતરી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એટલું જ નહીં, તેમણે સુપ્રીમ કોર્ટમાં પોતાના પેરોલનો સમયગાળો વધારવા માટે અપીલ પણ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. જોધપુર જેલના અધિક્ષક પ્રમોદ સિંહે સ્પષ્ટ કર્યું છે કે કોર્ટના આદેશ અને નિર્ધારિત સમયમર્યાદા છતાં આત્મસમર્પણ ન કરવાના કારણે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પેરોલની મુદત પૂરી થયા પછી પણ જેલમાં પરત ન ફરવાના આ મામલે હવે જેલ વહીવટીતંત્ર દ્વારા આસારામ સામે નવો કેસ દાખલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાનૂની જોગવાઈઓ મુજબ જેલના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે.

LATEST ARTICLES