ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં માનવ-વન્યજીવ સંઘર્ષની વધુ એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામના વાડી વિસ્તારમાં રાત્રિના સમયે ઝૂંપડામાં સૂઈ રહેલા પરપ્રાંતીય ખેતમજૂર પર દીપડાએ અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. હાલમાં ખાંડ મિલો શરૂ થવાના સમયે મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં શ્રમિકો શેરડી કાપણી માટે સીમ અને વાડી વિસ્તારોમાં કામચલાઉ ઝૂંપડાં બાંધીને રહે છે. આ દરમિયાન બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને રાતના સમયે ગાઢ નિંદ્રામાં રહેલા યુવાન પર શિકારી દીપડો સીધો તૂટી પડ્યો હતો.
પેઢાવાડા ગામની સીમમાં શેરડીના ખેતર પાસે બનાવેલા ઝૂંપડામાં સૂતેલા મહારાષ્ટ્રના આ યુવાન પર અંધારામાં છૂપાઈને આવેલા દીપડાએ પંજો મારીને હાથના ભાગે ઊંડા ઘા ઝીંકી દીધા હતા. અચાનક થયેલા આ હુમલાથી ગભરાઈ જવા છતાં યુવાને ભારે હિંમત દાખવીને જોરશોરથી બૂમાબૂમ કરી મૂકી હતી. તેનો પ્રતિકાર જોઈને બાજુના ઝૂંપડામાંથી અન્ય મજૂરો લાકડીઓ અને ટોર્ચ લઈને તાત્કાલિક દોડી આવ્યા હતા, જેના કારણે દીપડો અંધારા અને ખેતરોનો લાભ લઈને ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના હાથ પર ડોક્ટર દ્વારા ટાંકા લેવા પડ્યા છે.
આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને દીપડાના પગમાર્કની તપાસ હાથ ધરી હતી, પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ફફડાટ અને દહેશતનો માહોલ ફેલાયો છે. ગ્રામ્ય અને વાડી વિસ્તારોમાં દીપડાઓની સતત વધી રહેલી અવરજવરને રોકવા માટે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સીમમાં વસવાટ કરતા શ્રમિકો અને ખેડૂતોની સુરક્ષા તથા સલામતી સુનિશ્ચિત કરવા માટે વન વિભાગ વહેલી તકે પેઢાવાડાની સીમમાં પાંજરું ગોઠવીને આ દીપડાને કેદ કરે તેવી ઉગ્ર માંગણી ઉઠી રહી છે.
