બુધવારે વહેલી સવારે સાયક્લોન અર્નાબ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાતાની સાથે જ ભારે પવનો અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. બાપટલા અને યાનમ વચ્ચે દરિયાકાંઠે ટકરાયેલા આ વાવાઝોડાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને દરિયામાં તોફાની મોજાં ઉછળી રહ્યા છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્રએ અગાઉથી જ કમસેકમ 89,000 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી દીધું હતું. વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને રાજમહેન્દ્રી એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે પરિવહન સેવાઓને મોટી અસર થઈ છે.
આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ત્રાટક્યું ત્યારે પવનની ઝડપ પ્રતિ કલાક 125 થી 185 કિમી સુધીની નોંધાઈ હતી અને દરિયામાં અસામાન્ય રીતે 2.5 મીટર સુધી ઊંચા મોજાં ઉછળ્યા હતા. રાજ્યના 15 જિલ્લાઓ જેવા કે બાપટલા, ગુૂર, કૃષ્ણા, વિશાખાપટ્ટનમ અને શ્રીકાકુલમમાં ફ્લેશ ફ્લડનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. સંભવિત જોખમને જોતા આશરે 2,000 થી વધુ સાયક્લોન શેલ્ટર તૈયાર કરવામાં આવ્યા છે અને લાખો લોકોના મોબાઈલ પર ઈમરજન્સી એલર્ટ મોકલવામાં આવ્યા છે. સુરક્ષા માટે 30,000 થી વધુ ફિશિંગ બોટ્સને કિનારે જ સુરક્ષિત રાખવામાં આવી છે અને અંદાજે 1,100 મેડિકલ ટીમોને તૈનાત કરાઈ છે.
હવામાન વિભાગની ચેતવણી મુજબ આગામી કેટલાક કલાક સુધી આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં ભારે વરસાદ અને તોફાની પવનોનું જોખમ યથાવત રહેશે. ઓડિશામાં પણ અંદાજે 48,000 લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ કરી લેવાઈ છે. એર ઈન્ડિયા, ઈન્ડિગો અને આકાશ એર જેવી એરલાઈન્સે પોતાની ફ્લાઈટ્સ રદ કરી દીધી છે અને પેસેન્જર્સને મુસાફરી કરતા પહેલા ફ્લાઈટ સ્ટેટસ ચેક કરવાની સલાહ અપાઈ છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ઘરની અંદર જ રહેવા, જૂના મકાનો અને ઇલેક્ટ્રિક પોલથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય.
