મંગળવારે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ફ્લોર પર અમેરિકા અને ક્યુબાના અધિકારીઓ વચ્ચે એકદમ નાટકિય અને ગરમાગરમીભર્યો માહોલ જોવા મળ્યો હતો. ક્યુબા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો અને અમેરિકાની આક્રમક નીતિઓને લઈને બંને કટ્ટર દુશ્મન દેશોના પ્રતિનિધિઓ જાહેરમાં સામસામે આવી ગયા હતા. અમેરિકન એમ્બેસેડર માઇક વોલ્ટ્ઝ જ્યારે પોડિયમ પર બોલી રહ્યા હતા અને ક્યુબાની સોશિયાલિસ્ટ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા હતા, ત્યારે માહોલ તણાવપૂર્ણ બન્યો હતો.
આ દરમિયાન ક્યુબાના વિદેશ મંત્રી બ્રુનો રોડ્રિગ્ઝ સહિતના પ્રતિનિધિઓએ ટેબલ પર હાથ પછાડીને હોબાળો મચાવ્યો હતો અને પોઇન્ટ ઓફ ઓર્ડર માટે બૂમો પાડી હતી. ગુસ્સામાં ભરાયેલા બ્રુનો રોડ્રિગ્ઝ સીધા સ્ટેજ તરફ દોડી ગયા અને માઇક વોલ્ટ્ઝને જાહેરમાં કહ્યું કે તું જૂઠ્ઠો છે. તેના જવાબમાં માઇક વોલ્ટ્ઝે કડક શબ્દોમાં વળતો પ્રહાર કરતા કહ્યું કે તું કોની સાથે વાત કરી રહ્યો છે તેની ખબર છે? આ અમેરિકા છે, પીછેહઠ કર. આ ભારે હોબાળા દરમિયાન ક્યુબાના એક સ્ટાફ મેમ્બર દ્વારા ન્યૂ યોર્ક પોસ્ટના રિપોર્ટર પર હુમલો કરવામાં આવ્યો હોવાના પણ અહેવાલ છે, જેનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.
આ ઘટનાથી યુએનના રાજદ્વારી શિષ્ટાચારના ધજાગરા ઉડ્યા છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ક્યુબા પર વધારવામાં આવેલા આર્થિક દબાણ અને ઓઈલ સપ્લાય પરના પ્રતિબંધોનું પરિણામ છે. ક્યુબામાં પહેલેથી જ ગંભીર આર્થિક કટોકટી ચાલી રહી છે અને તાજેતરના નિર્ણયોથી ટાપુ દેશમાં વ્યાપક પાવર કટ, પાણીની અછત તથા ઈન્ટરનેટ-ફોન સેવાઓ ઠપ થઈ ગઈ છે. યુએનમાં દર વર્ષે ક્યુબા પરના અમેરિકી પ્રતિબંધો વિરુદ્ધ લાવવામાં આવતા રેઝોલ્યુશનને રોકવા માટે અમેરિકા પૂરી તાકાત લગાવી રહ્યું છે, ત્યારે આ ટકરાવે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ વણસી દીધા છે.
