અમેરિકામાં યોજાનારી ચૂંટણીના છેલ્લા તબક્કામાં વિદેશી તાકાતો દ્વારા વોટર્સને પ્રભાવિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI નો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા આવા જ કેટલાક વીડિયોઝ રશિયા સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના બે સેનેટ કેન્ડિડેટ્સને નિશાન બનાવીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. ઓહાયોથી ચૂંટણી લડી રહેલા શેર્રોડ બ્રાઉન અને ટેક્સાસના જેમ્સ ટેલારિકો આ AI ડીપફેક વીડિયોઝનો ભોગ બન્યા છે, જેમાં વાસ્તવિક લોકોના નામ અને ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ કાવતરા અંતર્ગત ઓહાયોના કેન્ડિડેટ શેર્રોડ બ્રાઉનને ટાર્ગેટ કરતા વીડિયોમાં હયા અકબીક નામના વ્યક્તિના ફોટા અને નામનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેઓ અગાઉ બ્રાઉન માટે ઇન્ટર્નશીપ કરતા હતા. અકબીકનું કહેવું છે કે આ વીડિયોમાં કરવામાં આવેલા તમામ દાવા સંપૂર્ણપણે બનાવટી અને ખોટા છે, જે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. તો બીજી તરફ ટેક્સાસના કેન્ડિડેટ જેમ્સ ટેલારિકો સામેના વીડિયોમાં તેમના જ એક પૂર્વ વિદ્યાર્થીના કન્ફેશન જેવું બતાવીને AI ના માધ્યમથી ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો છે. ટેલારિકોના પ્રવક્તા જેટી એનિસે આક્ષેપ કર્યો છે કે દુતવાણી ફેલાવવા માટે વિદેશી બોટ્સ અને AI ડીપફેકનો સહારો લેવામાં આવી રહ્યો છે.
આ મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આવા પ્રારંભિક પોસ્ટ્સને હટાવીને સંબંધિત યુઝર્સના એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં મંગળવાર સુધી તેની નકલો ઓનલાઈન જોવા મળી રહી હતી. ડાર્ટમાઉથ કોલેજના પ્રોફેસર અને એઆઈ એક્સપર્ટ હેની ફરીદના વિશ્લેષણ મુજબ આ બંને વીડિયો AI ટેક્નોલોજી દ્વારા જનરેટ અથવા મેનિપ્યુલેટ કરવામાં આવ્યા છે. ક્લેમસન યુનિવર્સિટીના પ્રોફેસર ડેરિન લિનવિલનું માનવું છે કે આ વીડિયોઝ અગાઉ કમલા હેરિસ અને ટિમ વોલ્ઝને ટાર્ગેટ કરનાર રશિયાના સ્ટોર્મ-1516 નામના નેટવર્ક દ્વારા જ બનાવવામાં આવ્યા છે. ચૂંટણીના તાવા ટાણે ફેલાઈ રહેલી આ ફેક ન્યૂઝની જાળથી ડિજિટલ સેફ્ટી સામે મોટા સવાલો ખડા થયા છે.
