JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

નાની પર્સનલ લોન લેતા પહેલા સો વાર વિચારજો, ક્યારે લેવી અને ક્યારે ટાળવી તે જાણો

Oct 28, 2026 | 08:40 | By JAMNAGAR MIRROR
નાની પર્સનલ લોન લેતા પહેલા સો વાર વિચારજો, ક્યારે લેવી અને ક્યારે ટાળવી તે જાણો
અચાનક આવી પડેલા ખર્ચા પહોંચી વળવા માટે પર્સનલ લોન સરળ વિકલ્પ લાગે છે, પરંતુ તેને બચતનો વિકલ્પ ન બનાવવો જોઈએ. લોન લેતા પહેલા તેનો ખર્ચ, વ્યાજ અને રીપેમેન્ટ ક્ષમતા ચકાસવી ખૂબ જ જરૂરી છે.

અચાનક કોઈ મેડિકલ બિલ આવી જાય, ઘરમાં રિપેરિંગનું કામ નીકળે કે અચાનક કેશ ક્રંચ ઊભો થાય ત્યારે આખું બજેટ બગડી જતું હોય છે. આવા સમયે જ્યારે સેવિંગ્સ ટૂંકી પડે ત્યારે નાની પર્સનલ લોન લેવાનો વિચાર સૌથી પહેલા આવે છે. આજકાલ ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ્સને કારણે લોન મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે, પરંતુ માત્ર સરળતા જોઈને ઉતાવળે નિર્ણય ન લેવો જોઈએ. લેન્ડિંગપ્લેટના ફાઉન્ડર અને સીઈઓ કૌશિક ચેટરજીના જણાવ્યા મુજબ, નાની પર્સનલ લોન આપણી આર્થિક યોજનાઓને ખલેલ પહોંચાડ્યા વગર ચોક્કસ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે, પરંતુ લોન લેતા પહેલા પોતાની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું અનિવાર્ય છે. ગ્રાહકોએ કમિટમેન્ટ કરતા પહેલા લોનની શરતો, ચાર્જીસ અને રીપેમેન્ટ શેડ્યૂલ સરખી રીતે સમજી લેવું જોઈએ.

જ્યારે ખર્ચ ખૂબ જ જરૂરી હોય અને તેને ટાળી ન શકાય ત્યારે જ નાની પર્સનલ લોન લેવાનું વ્યાજબી ઠરે છે. જોકે, આ પગલું ભરતા પહેલા એ ચકાસી લેવું જોઈએ કે આ ખર્ચ જમા થયેલી સેવિંગ્સમાંથી થઈ શકે તેમ છે કે નહીં. ભારતલોનનાં બિઝનેસ હેડ શક્તિ શેખાવતના મતે, ગ્રાહકોએ લોન માટે એપ્લાય કરતા પહેલા પોતાની જરૂરિયાત ઓળખીને મંથલી બજેટ અને જૂના ફાઇનાન્સિયલ કમિટમેન્ટ્સ ચેક કરી લેવા જોઈએ. લોનનો હપ્તો ભરતી વખતે ઘરના જરૂરી ખર્ચા પર કોઈ અસર ન પડવી જોઈએ. લોન લેતી વખતે માત્ર રકમ જ નહીં, પરંતુ વ્યાજ દર, પ્રોસેસિંગ ફી અને બીજા ચાર્જીસ પણ ખાસ તપાસવા જોઈએ જેથી લોનનો કુલ ખર્ચ કેટલો થાય છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે.

પર્સનલ લોન મુશ્કેલ સમયમાં રાહત આપે છે, પરંતુ તે ક્યારેય કાયમી સેવિંગ્સનું સ્થાન ન લઈ શકે. જેટલી રકમની જરૂર હોય તેનાથી વધારે લોન લેવાનું હંમેશા ટાળવું જોઈએ અને બિનજરૂરી ક્રેડિટ વધારવી ન જોઈએ. રૂટિન ખર્ચા માટે વારંવાર લોન લેવાથી અથવા એક લોન ચૂકવવા બીજી નવી લોન લેવાથી આર્થિક તણાવ વધુ વધી શકે છે. કૌશિક ચેટરજી અને શક્તિ શેખાવત બંને એ વાત પર ભાર મૂકે છે કે ભવિષ્યના જોખમો સામે રક્ષણ મેળવવા માટે ઈમરજન્સી ફંડ બનાવવું અને નિયમિત બચત કરવી ખૂબ જ જરૂરી છે. આખરે પર્સનલ લોન ત્યારે જ ફાયદાકારક બને છે જ્યારે સાચી જરૂરિયાત હોય અને આપણી પાસે તેની સમયસર ચૂકવણી કરવાની પાક્કી યોજના હોય.

LATEST ARTICLES