દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરના રોજ યોજાનારી કોંગ્રેસની રેલીને પોલીસે મંજૂરી તો આપી દીધી છે, પરંતુ આ જ દિવસે બહારના વાહનો પરના નવા નિયમો લાગુ થવાથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. દિલ્હી બહાર રજિસ્ટર્ડ થયેલા અને નિયમોમાં ફીટ ન બેસતા જૂના વાહનો સીધા કેપિટલની બોર્ડર પર જ અટકી શકે છે. આ રેલી ચૂંટણી યાદી અને ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાન કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન રૂપે યોજાઈ રહી છે, પરંતુ પ્રદૂષણના કડક નિયમોના કારણે પડોશી રાજ્યોમાંથી આવતા કાર્યકરોની મુસાફરી મુશ્કેલ બની શકે છે. ટ્રેડ એસોસિએશને પણ દિવાળીના સમયે ટ્રાફિક અને વેપારને નુકસાન ન થાય તે માટે રેલી પાછી ખેંચવાની અપીલ કરી હતી, છતાં નેતાઓએ રેલી ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.
આ નવા નિયમો હેઠળ 1 નવેમ્બરથી 2027ના 31 જાન્યુઆરી સુધી દિલ્હી બહાર રજિસ્ટર્ડ થયેલા પેટ્રોલ અને ડિઝલ વાહનો કે જેઓ BS-VI સ્ટાન્ડર્ડ મુજબના નથી, તેમને શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જોકે સીએનજી, ઇલેક્ટ્રિક અને BS-VI કમ્પ્લાયન્ટ વાહનોને છૂટ આપવામાં આવી છે. ટ્રેડ બોડીના અંદાજ મુજબ આ રેલીમાં 15,000થી 20,000 બસો અને પ્રાઇવેટ ગાડીઓ આવી શકે છે. કડક કાર્યવાહીના ભાગરૂપે દિલ્હી બોર્ડર પર 13 મુખ્ય ચેકપોઇન્ટ્સ પર 39 એન્ફોર્સમેન્ટ ટીમો રાઉન્ડ ધ ક્લોક તૈનાત કરવામાં આવી છે. દિલ્હીના ટ્રાફિક અને પરિવહન મંત્રી ડૉ. પંકજ કુમાર સિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે દિલ્હીમાં પ્રવેશતા દરેક વાહને પ્રદૂષણના નિયમોનું પાલન કરવું જ પડશે અને તેમાં કોઈને પણ બાકાત રાખવામાં આવશે નહીં.
હવામાનની ખરાબ સ્થિતિને કારણે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે પહેલેથી જ દિલ્હી-એનસીઆરમાં કડકાઈ શરૂ કરી દીધી છે, જેના આંકડા પણ ચિંતાજનક છે. 11 થી 25 ઓક્ટોબર વચ્ચે જ 145 બસો અને 558 ઓવરલોડેડ ગાડીઓ જપ્ત કરવામાં આવી છે, જ્યારે 4,572 વાહનોના પ્રદૂષણ પ્રમાણપત્ર અમાન્ય હોવા બદલ ચલાન ફાટકવામાં આવ્યા છે. પ્રદૂષણ નિયંત્રણ માટે ખાસ ટીમો વિવિધ હોટસ્પોટ્સ અને બોર્ડર પર સતત નજર રાખી રહી છે. બીજી તરફ, સ્થાનિક વેપારીઓની ચિંતા છે કે આટલી મોટી ભીડ અને ટ્રાફિક ડાયવર્ઝનને કારણે રામલીલા મેદાનની આસપાસના લગભગ 20 જેટલા મુખ્ય માર્કેટોમાં તહેવારની સિઝનમાં ધંધા-રોજગાર પર માઠી અસર પડી શકે છે.
