ગુરુગ્રામની પોશ ગોલ્ફ કોર્સ રોડ પર ગત 13 સપ્ટેમ્બરના રોજ બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ પર રેબેલ વ્હીલ્સસિયા તરીકે જાણીતી બાઈકર શિવાની ચૌહાણ પોતાની એપ્રીલિયા આરએસ 457 સ્પોર્ટ્સ મોટરસાઇકલ પર બાઈકર્સના ગ્રુપ સાથે જઈ રહી હતી, ત્યારે એક સફેદ રંગની મારુતિ સુઝुकी સિયાઝ કારે તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. શિવાનીના આક્ષેપ મુજબ કારમાં 4 લોકો બેઠા હતા જેણે નશાની હાલતમાં તેની સાથે અશોભનીય હરકતો કરી હતી અને ત્યારબાદ કાર ચાલકે જાણી જોઈને તેની બાઈકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ ભયાનક અકસ્માત શિવાનીના બાઈક પર લાગેલા એક્શન કેમેરામાં કેદ થઈ ગયો હતો જેમાં વાહન રોડ પર ઘસડાવાથી તણખા પણ નિકળતા જોવા મળ્યા હતા અને સદભાગ્યે શિવાનીના હાથ તથા પગમાં સામાન્ય ઈજાઓ જ થઈ હતી.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસીપી સુશીલાના નેતૃત્વમાં રચાયેલી 5 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીએ તાજેતરમાં જ પોલીસ કમિશનરને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી કલ્યાણ બૈસલાએ યુ-ટર્ન પાસે કાબૂ ગુમાવ્યાનું જૂઠ્ઠું બહાનું કાઢ્યું હતું પરંતુ વાસ્તવમાં તે એક કેલ્ક્યુલેટેડ અને ઇન્ટેન્શનલ એક્ટ હતો. આ મામલે પોલીસે મુખ્ય આરોપી કલ્યાણ બૈસલા અને તેના મિત્ર લાવનીશની રાજસ્થાનના દૌસાથી ધરપકડ કરી હતી જે હાલ ગુરુગ્રામની ભોંડસી જેલમાં બંધ છે કારણ કે કોર્ટે તેમના જામીન ફગાવી દીધા છે.
શિવાનીની ફરિયાદના આધારે ગુરુગ્રામ પોલીસે એફઆઈઆરમાં પીછો કરવો, મહિલાની આબરૂને ઠેસ પહોંચાડવી અને મર્ડરના પ્રયાસ જેવી ગંભીર કલમો લગાવી હતી જે ચાર્જશીટમાં પણ યથાવત રાખવામાં આવશે. એસઆઈટી દ્વારા ચાર્જશીટનો ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે અને આગામી એક અઠવાડિયાની અંદર જ તેને કોર્ટમાં ફાઇલ કરી દેવામાં આવશે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવેલા આ કેસમાં કડક કાર્યવાહીના સંકેત મળ્યા છે, જ્યારે બીજી બાજુ સામાન્ય ઈજાઓમાંથી સાજી થઈ રહેલી શિવાનીએ પણ સોશિયલ મીડિયા પર હિંમતપૂર્વક ફરીથી બાઈક ચલાવ પરત ફરવાની જાહેરાત કરી છે.
