હૈદરાબાદના કંચનબાગ વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને હચમચી નાખનારી ઘટના સામે આવી છે, જ્યાં બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલી એક 18 વર્ષીય રોહિંગ્યા યુવતીને 5 મહિના સુધી એક ઘરમાં ગોંધી રાખીને તેની સાથે ક્રૂરતા આચરવામાં આવી હતી. ગત મે મહિનામાં મુખ્ય આરોપી આ યુવતીને બાંગ્લાદેશના કૉક્સ બજારથી હૈદરાબાદ લાવ્યો હતો અને પોતાની પહેલી પત્નીની વાત છુપાવીને આ યુવતી સાથે લગ્ન કર્યા હોવાનું ખુલ્યું છે. લગ્ન બાદ આરોપીએ યુવતીને ભાડાના મકાનમાં કેદ કરી દીધી હતી અને પોતે તેમજ તેના મિત્રો મળીને સતત 5 મહિના સુધી આ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મકાનમાલિક લાંબા સમયથી બાકી નીકળતું ભાડું ઉઘરાવવા માટે આવ્યો અને શંકા ગઈ તો દરવાજો તોડીને અંદર પ્રવેશ્યો, જ્યાં યુવતી એકાંતમાં ડરેલી હાલતમાં મળી આવી હતી.
આ સમગ્ર પર્દાફાશ 23 ઓક્ટોબરની રાત્રે થયો હતો જ્યારે મકાનમાલિક ભાડાના પૈસા લેવા માટે પહોંચ્યો હતો અને બહારથી તાજું તાળું મારેલું જોઈને તેને શંકા ગઈ હતી. મકાનમાલિકે દરવાજો તોડી નાખતા અંદર યુવતી એકલી મળી આવી હતી, જેણે પોતાની આપવીતી મકાનમાલિકને જણાવી હતી. આ ચોંકાવનારી હકીકત જાણીને મકાનમાલિકની મદદથી યુવતીએ શહેરમાં જ રહેતા પોતાના સગા-સંબંધીઓનો સંપર્ક કર્યો હતો, અને પછી સોમવારે તેઓ યુવતીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પીડિતાની ફરિયાદના આધારે કંચનબાગ પોલીસે સોમવારે ગુનો નોંધીને મંગળવારે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)(m), 127(4) અને 351 હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે ભોગ બનનાર યુવતીનું નિવેદન ભરોસા સેન્ટરમાં ટ્રાન્સલેટરની મદદથી નોંધીને તેને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે.
મુખ્ય આરોપી જે હોટેલમાં કામ કરે છે અને છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી હૈદરાબાદના રિફ્યુજી કેમ્પમાં રહે છે, તે હાલ પોલીસ પકડથી દૂર ફરાર ચાલી રહ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપીએ માત્ર પોતે જ નહીં, પરંતુ તેના અન્ય 3 રોહિંગ્યા મિત્રોને પણ આ ઘરમાં બોલાવીને યુવતી પર બળાત્કાર ગુજારવા દીધો હતો. હાલ તો પોલીસની સ્પેશિયલ ટીમ આ ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તેની સઘન શોધખોળ ચાલુ છે. આ કેસમાં કાયદાકીય કાર્યવાહી આગળ વધી રહી છે અને બાકીના આરોપીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
