જો તમે પણ આગામી દિવસોમાં ટ્રેનમાં મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. ભારતીય રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં મુસાફરો સફર કરતા હોય છે, ત્યારે તેમની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે રેલવે વહીવટીતંત્રે એક મોટું પગલું ભર્યું છે. નવા નિયમો અનુસાર હવે તમામ મેઇલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં મોડી રાત્રે મોબાઇલ ફોન, લેપટોપ અને પાવર બેંક ચાર્જિંગ સુવિધાઓના ઉપયોગ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રેન કોચના બધા ચાર્જિંગ સોકેટ રાત્રે 11:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી ડિસ્કનેક્ટ કરવામાં આવશે અને આ નિયમ સ્લીપર, 3AC, 2AC અને 1AC સહિતના તમામ ક્લાસના કોચ પર લાગુ થશે.
અગાઉ જોવા મળ્યું હતું કે મુસાફરો મોડી સાંજ સુધી પોતાના ડિવાઈઝ ચાર્જિંગમાં લગાવીને સૂઈ જતા હતા, જેના કારણે ઓવરચાર્જિંગ અને ઓવરહિટીંગથી ડિવાઈઝ ખૂબ ગરમ થઈ જતા હતા. હાલના સમયમાં ચાર્જિંગ દરમિયાન પાવર બેંક ફાટવાની અને શોર્ટ સર્કિટથી આગ લાગવાની કેટલીક ગંભીર ઘટનાઓ સામે આવી હતી. રાત્રે મુસાફરો ગાઢ નિદ્રામાં હોવાથી જો કોઈ ઉપકરણમાં સ્પાર્કિંગ થાય તો તરત ધ્યાન પર આવતું નથી, જેના કારણે મોટી દુર્ઘટનાનો ખતરો તોળાઈ રહેતો હતો. આ સંભવિત જોખમોને ટાળવા અને મુસાફરોની સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રેલવે બોર્ડ દ્વારા દેશભરના તમામ 17 ઝોનલ રેલવેને આ સલામતી પ્રોટોકોલનું કડકપણે પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
રેલવેના આ નવા નિયમનો કડક અમલ થાય અને મુખ્ય વીજ પુરવઠો સમયસર બંધ કરવામાં આવે તે માટે ખાસ કાળજી રાખવામાં આવશે. આ નિયમનું ઉલ્લંઘન અટકાવવા માટે રેલવે સુરક્ષા દળ અને વિદ્યુત વિભાગની ટીમો દ્વારા ચાલુ ટ્રેનોમાં અચાનક નિરીક્ષણ પણ કરવામાં આવશે. તમામ મુસાફરો માટે આ નિયમનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી કોઈપણ અપ્રિય ઘટનાને અગાઉથી જ રોકી શકાય અને મુસાફરોની રેલવે યાત્રા સંપૂર્ણપણે સુરક્ષિત બની રહે.
