જોર્ડન દ્વારા સીરિયામાં કરવામાં આવેલી શક્તિશાળી એરસ્ટ્રાઈક બાદ બંને દેશોના સંબંધોમાં અચાનક ગરમાવો આવી ગયો છે. સોમવારે રાત્રે જોર્ડનની એરફોર્સ દ્વારા સીરિયાની સરહદ નજીક આવેલા અલ-ટુફ અને આસપાસના વિસ્તારોમાં આતંકીઓ વિરુદ્ધ હુમલા કરવામાં આવ્યા હતા. જોર્ડન સરકારના દાવા મુજબ આ ઓપરેશનમાં આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટના 20 જેટલા આતંકીઓ ખાત્મા થયા હતા, પરંતુ આ હુમલામાં કેટલાક નિર્દોષ નાગરિકોના પણ મોત થયા હોવાની વાત જોર્ડને સ્વીકારી છે. આ એરસ્ટ્રાઈક અગાઉ જોર્ડનના કારક શહેરમાં એક ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 9 લોકોના મોત થયા હતા અને જોર્ડને આ હુમલાના 3 શકમંદોની ધરપકડ પણ કરી હતી.
આ હુમલામાં થયેલી જાનહાનિના આંકડાને લઈને બંને દેશોના અહેવાલોમાં તફાવત જોવા મળ્યો છે. સીરિયાની સિવિલ ડિફેન્સ અને સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર, જોર્ડનની એરસ્ટ્રાઈકથી દારા અને સુવેદા પ્રોવિન્સમાં કુલ 7 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ હતા. મસૂદ અલ-સાલીમ નામના સ્થાનિક નાગરિકે આ હુમલામાં પોતાની પત્ની, પુત્ર અને 3 માસૂમ પૌત્ર-પૌત્રીઓને ગુમાવ્યા છે, જેમના પરિવારના ઘર પર બોમ્બ પડવાથી કાટમાળ નીચે દબાઈને કરુણ મોત નિપજ્યા હતા. સીરિયા સરકારે આ હુમલાને વગર કોઈ પૂર્વ સૂચના કે સંકલને કરવામાં આવેલું સીરિયન એરસ્પેસનું ઉલ્લંઘન ગણાવ્યું હતું, જોકે જોર્ડનના પ્રવક્તા મોહમ્મદ અલ-મોમાનીએ આ નાગરિક મોતો બદલ ઊંડો અફસોસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ એક્શન પાછળ દેશની સુરક્ષાના પાકા ઈન્ટેલિજન્સ ઇનપુટ્સ હતા.
ઘટના બાદ વધતા તણાવને કાબૂમાં લેવા માટે જોર્ડન અને સીરિયાના વિદેશ પ્રધાનો વચ્ચે ટેલિફોન પર લાંબી વાતચીત થઈ હતી, જેમાં ભવિષ્યમાં આવા બનાવો રોકવા માટે સંયુક્ત તપાસ સમિતિ (જોઇન્ટ કમિટી) રચવાનો નિર્ણય લેવાયો છે. ડિસેમ્બર 2024માં અસાદ શાસનના પતન બાદ અને વચગાળાના પ્રમુખ અહમદ અલ-શારાની સરકાર આવ્યા પછી બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધો બંધાયા હતા, જેને જાળવી રાખવા માટે બંને દેશે સંમતિ દર્શાવી છે. હવે આ સંયુક્ત કમિટી ફિલ્ડ અને ઈન્ટેલિજન્સ લેવલે સાથે મળીને કામ કરશે જેથી સીરિયાની સાર્વભૌમત્વનું રક્ષણ થાય અને આતંકી જોખમો સામે લડતી વખતે કોઈ પણ નિર્દોષ નાગરિકનો ભોગ ન લેવાય તે સુનિશ્ચિત કરી શકાય.
