ભારત અને અઝરબાઈજાન હવે ભૂતકાળના રાજકીય મતભેદોને પાછળ છોડીને પોતાના દ્વિપક્ષીય સંબંધોને નવેસરથી આગળ વધારવા માટે મેદાનમાં ઉતર્યા છે. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી અને અઝરબાઈજાનના પ્રેસિડેન્ટ ઇલ્હામ અલીયેવ વચ્ચેની બેઠક બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે બાકુની એક દિવસીય મુલાકાત લીધી હતી, જેણે બંને દેશોના સંબંધોને એક નવી દિશા આપી છે. પાકિસ્તાન સાથેના અઝરબાઈજાનના જૂના સમીકરણોને કારણે સંબંધોમાં જે શીતયુગ આવ્યો હતો, તેને ઓગાળીને હવે વેપાર, કનેક્ટિવિટી અને સુરક્ષા ક્ષેત્રે સાથે મળીને કામ કરવા પર ગંભીર ચર્ચાઓ થઈ છે.
આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ અને ખાસ કરીને ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર એટલે કે INSTCને વધુ વેગ આપવા પર સહમતિ બની છે, જે મુંબઈને અઝરબાઈજાન થઈને સેન્ટ પીટર્સબર્ગ સાથે જોડે છે. અઝરબાઈજાનના સેન્ટ્રલ બેંકના આંકડા મુજબ 2025માં ભારતીય FDI વધીને 56.047 મિલિયન ડોલર થઈ ગયું છે, જે 2024ની સરખામણીમાં 29.8% એટલે કે 12.9 મિલિયન ડોલરનો વધારો દર્શાવે છે. જ્યારે યુરેશિયન ડેવલપમેન્ટ બેંકના રિપોર્ટ અનુસાર 2016માં જે રોકાણ 480 મિલિયન ડોલર હતું, તે વધીને 2025ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના અંત સુધીમાં કુલ 1.26 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે. ઓએનજીસી વિદેશ લિમિટેડ પણ અહીં એઝરી-ચિરાગ-ગુનેશલી ઓઈલ-ગસ ક્લસ્ટર અને બાકુ-તિબિલિસી-સેહાન પાઈપલાઈનમાં મહત્વના સ્ટેક્સ ધરાવે છે.
આ સંબંધો ગાઢ બનવા પાછળ માત્ર વેપાર જ નહીં પરંતુ પ્રવાસન અને એજ્યુકેશન સેક્ટર પણ મોટો ભાગ ભજવી રહ્યા છે, કારણ કે બાકુમાં હાલ 500 જેટલા ભારતીય સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા છે અને ભારતીયોમાં આ દેશ પ્રવાસીઓ માટે પ્રિય બનતો જાય છે. આગામી સમયમાં એર કનેક્ટિવિટી વધારવાની સાથે ટ્રાન્સનેશનલ ક્રાઈમ સામે લડવા માટે બંને દેશોની સિક્યુરિટી એજન્સીઓ પણ સાથે મળીને કામ કરી રહી છે. અઝરબાઈજાનના વિદેશ મંત્રી ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવવાની યોજના બનાવી રહ્યા છે, જેને કારણે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
